મહીસાગર જીલ્લાના માલવણ ગામના ખેડૂત દિલીપભાઇ પોતાના ખેતરમાં ઓછા ઉત્પાદન ખર્ચમાં શાકભાજીનું વાવેતર કરી વધુ આવક મેળવી રહ્યા છે

  • પ્રાકૃતિક પધ્ધતિથી કરેલ શાકભાજી વેચવા મારે બજાર જવું પડતું નથી લોકો ઘરે આવીને મારૂ શાકભાજી લઈ જાય છે- દિલીપભાઇ ખાંટ.

આજના સમયની માંગ ઝેરમુક્ત ખેતી, જ્યાં એક તરફ દિવસે ને દિવસે બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જરૂરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ખેડૂતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે જેથી ખેડૂતો પાછા પ્રાકૃતિક ખેતી તરફ વળે જેથી મનુષ્યનું સ્વાસ્થય જળવાય રહે અને જમીનની ગુણવત્તામાં પણ વધારો થાય.

આવાજ એક મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામના પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઇ ખાંટ જણાવે છે કે, પેલા હું મારા ખેતરમાં રાસાયણિક ખેતી કરતો હતો જેનાથી મને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ખૂબ આવતો હતો અને મારો પાક પણ ઓછો થતો હતો. ત્યારે એક દિવસ મે મારા મિત્રના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી થયેલ પાક જોઈ હું પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયો ત્યારબાદ મે મારા મિત્ર પાસેથી પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી અને યુ ટ્યુબ પર પ્રાકૃતિક ખેતી વિશેના વિડિયો જોઈ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી.

ત્યારબાદ મે મારા ખેતરમાં શાકભાજી, ડાંગર અને ઘઉનું પ્રાકૃતિક પધ્ધતિથી વાવેતર કર્યું અને આ ખેતીથી મારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના પૈસા આપવા પડતાં નથી. દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થી તૈયાર કરવામાં આવતા જીવામૃત થી મારો ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો થાય છે અને મારો પાંક પણ વધુ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ગાય ખર્ચ નિભાવ અંતર્ગત દર મહિને 900 રૂપિયાની સહાય પણ મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી હું પ્રાકૃતિક પધ્ધતિથી શાકભાજીનું વાવેતર કરૂં છું. ત્યારથી મારે શાકભાજી વેચવા બજારમાં પણ જવું પડતું નથી. લોકો મારા ઘરે આવી શાકભાજી લઈ જાય છે તેથી આ પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂતોએ કરવી જોઈએ, જેનાથી આપણું ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે અને આવકમાં વધારો થાય છે.