આક્ટોબર – ૨૦૨૪માં મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને બે વર્ષ સંપન્ન થશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની રિટ દાખલ કરી હતી. ૨૪, જુલાઈ – ૨૦૨૪ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રીટ સુનવણી દરમિયાન દુર્ઘટનાના પીડિત પરિવારોની સાચી સ્થિતિ જાણવા માટે તેમના નિવાસસ્થાને જઈ સ્વતંત્ર અને નિપક્ષ તપાસ માટે એડવોકેટ એશ્ર્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી છે. સાથે તેઓએ ફરમાનમાં રાજ્યના વિવિધ બ્રિજના ઇન્સ્પેકશન માટે પણ અહેવાલ રજૂ કરવા કહ્યું છે. એડવોકેટ એશ્ર્વર્યા ગુપ્તા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરી પોતાનો અહેવાલ તૈયાર કરશે.
પીડિત પરિવારોની જાત તપાસ કેમ કરાશે ? ગુજરાત હાઈકોર્ટે મોરબી દુર્ઘટના જાહેરહિત રીટની સુનાવણી દરમિયાન ફરમાન આપતા કહ્યું કે, આ જાત તપાસ અહેવાલ તૈયાર કરવામાં કોર્ટ સહાયક તરીકે વરુણ પટેલ રહેશે. જે પણ એડવોકેટ એશ્ર્વર્યા ગુપ્તા સાથે પીડિત પરિવારોની મુલાકાતે જશે. આ કેસમાં જાત તપાસ માટે ૧૪૧ મૃતકોના પીડિત પરિવારોને એક જ સ્થળે બોલાવવાના બદલે તેમના નિવાસસ્થાને મળી તેમની સાચી સ્થિતિ જાણવી અને તેમની શું આવશ્યક્તા છે એ જાણીને અહેવાલ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ધટનામાં એકશન ટેકન રિપોર્ટ ગત સુનવણીમાં રજૂ ન કરતા નારાજગી વ્યક્ત કરી હતી. અલબત મંગળવારની રીટ સુનવણીમાં સરકાર તરફથી એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. સરકારના એકશન ટેકન રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પીડિત પરિવારોની દેખરેખ માટે એક ટ્રસ્ટનું નિર્માણ થયું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નિયમિત સમય બાદ પીડિત પરિવારોને મળતા રહેવું અને પીડિત પરિવારોની બેંકખાતા મારફતે કોપર્સ ફંડ રચવા અંગેની વિગતો એક્શન ટેકન રિપોર્ટમાં દર્શાવેલ છે.
હાલ મોરબી પુલની દેખરેખ અને નિયમનનું કામ કરતી ઓરેવા ગ્રુપ કંપનીના એમડી જયસુખ પટેલ સામે ક્રિમીનલ પ્રોસીક્યુશન ચાલુ છે. મોરબી નગરપાલિકાને પણ દુર્ઘટના બાદ સુપરસીડ કરવામાં આવી છે, સાથે તેના ચીફ ઓફિસર સામે કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.