સામાન્ય વ્યક્તિ પાણી વેરા પેટે સરકારી બાકી નાણાં ચૂકવે નહીં તો પાણીના કનેકશન કાપવા અને સીલ મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ રાજય સરકારે ગ્રામીસ ઈન્ડસ્ટ્રી (ઈન્ડિયન રેયોન) વેરાવળના ખાસ કિસ્સામાં રૂા.૨૮૦ કરોડ માફ કરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે કર્યો છે.
જાહેર હિસાબ સમિતિની ભલામણ અને મહેસુલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શક્તો નથી. તેમ છતાં ભાજપ સરકારે કંપનીને કોના ઈશારે ફાયદો કરાવ્યો તેની તટસ્થ તપાસ કરાવવાની માંગ તેમણે કરી છે.
પુંજાભાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગ્રાસીમ કંપની હીરણ-૨ ડેમના પાણીનો ૧૯૯૯થી ઉપયોગ કરતી હતી. જળસંપતિ વિભાગે નકકી કરેલા દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, ૧૯૯૯થી નવેમ્બર ૨૦૨૩ સુધીના રૂા.૪૩૪.૭૧ કરોડ વસુલવાના થતા હતા. જાહેર હિસાબ સમીતી સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરાઈ હતી.કલેકટરે કંપની પર રૂા.૨૬૪.૩૭ કરોડનો બોજો નાખ્યો હતો.
તેમણે કહ્યું કે, ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હીરણ-૨ જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. પાણી વાપરે છે. જો કે, કંપનીએ મે-૧૯૯૯થી નવેમ્બર-૨૦૨૩ સુધી બિલ ભર્યું ન હતું.પાણીના વપરાશ પેટે મે-૧૯૯૯ થી માર્ચ-૨૦૨૩ સુધી નોર્મલ વોટર ચાજસ, પેનલ્ટી ચાજસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂા.૪૩૪.૭૧ કરોડ જેટલી રકમ લેણી નીકળે છે.કંપનીએ એપ્રિલ-૧૯૯૯થી વિવાદીત સમયગાળા દરમિયાન જીપીસીબીના વોટર સેસ મુજબ પાણીના વપરાશ મુજબ પાણીદારોની બાકી મુદલ રકમ એક સાથે એક હપ્તામાં ભરે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે, તે મુજબનો હુકમ નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે કર્યો હતો.
જે અન્વયે સેટલમેન્ટ બાદ કંપનીને રૂા.૧૫૭.૧૫ કરોડ ભરવાના થતા હતા અને લગભગ રૂા.૨૮૦ કરોડ માફ કરવામાં આવ્યા છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવી છે?કંપની ગેરકાયદે હીરણ નદીની બાજુમાં કૂવા બનાવી પાણીનો વપરાશ કરતી હતી, જેથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કરોડો રૂપિયા માફ કર્યા તે શું સાબીત કરે છે? તેવો સવાલ કોંગ્રેસના પુર્વ ધારાસભ્યએ ઉઠાવ્યો છે.