હિંદુ મહાસભા દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરશે

નવીદિલ્હી,

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ વીર સાવરકર પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાયું હતું.આ સાથે જ અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ’સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન’ કરવા બદલ કોંગ્રેસ નેતાની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.

૧૯ નવેમ્બરે પીએમ મોદીને લખેલા પત્રમાં ચક્રપાણીએ જણાવ્યું હતું કે, હિંદુ મહાસભાએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરનાર અંગ્રેજ એ.ઓ. હ્યુમ અને તેના નેતા રાહુલ ગાંધી વારંવાર સ્વતંત્રતા સેનાની વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે.

તેમણે આગળ લખ્યું હતું કે રાહુલ ગાંધી માનસિક રીતે બીમાર છે અને તેમને માનસિક સારવારની જરૂર છે. જો તેઓ અંગ્રેજોના કહેવાથી ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરી રહ્યા હોય તો તે પણ ગુનો છે. આ માટે સરકારે રાહુલ ગાંધીની તમામ રાજકીય ગતિવિધિઓ તાત્કાલિક અટકાવીને કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, ’આવતી ૨૬ ફેબ્રુઆરીએ વીર સાવરકરની પુણ્યતિથિના અવસર પર હિંદુ મહાસભાએ દિલ્હીના ૨૪ અકબર રોડ પર કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. હિન્દુ મહાસભાએ પીએમ મોદીને અકબર રોડનું નામ બદલીને વીર સાવરકર રોડ રાખવા માટે અને વીર સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા પણ વિનંતી કરી હતી.