- લોક્સભા ચૂંટણીમાં હાર બાદ શિરોમણી અકાલી દળમાં હંગામો મચી ગયો છે.
પંજાબમાં શિરોમણી અકાલી દળમાં ચાલી રહેલા બળવા વચ્ચે અચાનક કોર કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બળવાખોરોએ સુખબીર સિંહ બાદલના રાજીનામાની માંગ કરી હતી. કોર કમિટીના વિસર્જન બાદ અકાલી દળના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા ડૉ.દલજીત ચીમાએ કહ્યું કે વર્કિંગ કમિટીએ સુખબીર બાદલને પાર્ટીના સંગઠનને ફરીથી બનાવવાની સત્તા આપી છે.પ્રેમ સિંહ ચંદુમાજરા, સુરજીત રખડા અને સિકંદર સિંહ મલુકા કોર કમિટીના સભ્યો હતા જેમણે સુખબીર બાદલ પાસેથી રાજીનામું માંગ્યું હતું.
બળવાખોર અકાલી નેતા ગુરપ્રતાપ સિંહ વડાલાએ બાદલના પગલાની ટીકા કરતા કહ્યું કે, તેમણે રાજીનામાની ભાવના દર્શાવવાને બદલે પક્ષને મજબૂત કરવા બદલાવ ઇચ્છતા લોકોને બાજુ પર રાખવાના હેતુથી સરમુખત્યારશાહી આદેશ જારી કર્યો.લોક્સભા ચૂંટણીમાં હાર બાદ કોર કમિટીના કેટલાક નેતાઓએ સુખબીર બાદલના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે શિરોમણી અકાલી દળમાં હોબાળો મચ્યો હતો.
બળવાનો ઝંડો ઉપાડનારા નેતાઓમાં ભૂતપૂર્વ સાંસદ પ્રેમ સિંહ ચંદુમાજરા, ભૂતપૂર્વ જીય્ઁઝ્ર વડા બીબી જાગીર કૌર, ભૂતપૂર્વ ધારાસભ્ય વડાલા અને ભૂતપૂર્વ પ્રધાનો પરમિન્દર સિંહ ધીંડસા અને સુરજીત સિંહ રાખરાનો સમાવેશ થાય છે.
શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીત સિંહ ચીમાએ જાહેરાત કરી કે પાર્ટીની કોર કમિટીને તાત્કાલિક અસરથી ભંગ કરી દેવામાં આવી છે. બેઠકમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના વડા હરજિન્દર સિંહ ધામી, પરમજીત સિંહ સરના, ઈકબાલ સિંહ ઝુંડા, વરિષ્ઠ નેતાઓ બલવિંદર સિંહ ભુંદર, મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલ અને હરચરણ બૈન્સ હાજર હતા.નવેમ્બર ૨૦૨૨માં શિરોમણી અકાલી દળે કોર કમિટીની પુન:રચના કરી હતી. વડાલાએ જણાવ્યું હતું કે પરંપરા મુજબ, જ્યારે સમગ્ર સંગઠનાત્મક માળખું તૂટી જાય છે, ત્યારે કોર કમિટીનું વિસર્જન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, પરંતુ હવે નવી પરંપરા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર કોર કમિટીનું વિસર્જન કરવામાં આવે છે.
બળવાખોર અકાલી નેતાઓએ ૧૫ જુલાઈના રોજ ૧૦૩ વર્ષ જૂના સંગઠનને મજબૂત અને ઉત્થાન આપવા માટે એક પ્લેટફોર્મ ‘શિરોમણી અકાલી દળ સુધર લેહર’ શરૂ કર્યું હતું. જુલાઇ ૧ ના રોજ, બળવાખોર નેતાઓ અકાલ તખ્તના જથેદાર સમક્ષ હાજર થયા અને રાજ્યમાં સત્તામાં હતી ત્યારે તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ભૂલો માટે માફી માંગી.