રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: ’મિત્ર છે તો પણ મારી પૂર્વ પત્ની સાથે સબંધ રાખે છે?’

શહેરમાં મિત્રોના હાથે જ મિત્રનું ખૂન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. મિત્રની પૂર્વ પત્ની સાથે અન્ય મિત્ર સંબંધ રાખતો હોવાથી મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. દારૂ પાર્ટી કર્યા બાદ મિત્રો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી આખરે હત્યાની સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. ૨૧ વર્ષીય નિતીન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકી નામનો વ્યક્તિ ગત શનિવારથી લાપતા હતો. ત્યારે સોમવારના રોજ નીતિનની આજી નદીના કાંઠેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ૨૨ વર્ષીય મોટાભાઈ ધીરુ ઉર્ફે કિશન સોલંકી દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ એક્ટની કલમ ૧૦૩ (૧), ૫૪ મુજબ મૃતકના મિત્ર મનોજ મકવાણા તેમજ કરણ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા મનોજ મકવાણાની અટકાયત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર નીતિન ઉર્ફે નિખીલની પૂર્વ પત્ની સાથે મિત્ર કરણ સંબંધ રાખતો હતો. જે બાબતે ગત ૨૦મી તારીખના રોજ દારૂ પીધા બાદ ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીની ઘટના હત્યા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર નીતિને પોતાના મિત્ર કરણને કહ્યું હતું કે, મારો મિત્ર થઈને મારી પૂર્વ પત્ની સાથે સંબંધ રાખે છે. જેથી કરણ ઉશકેરાઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓ દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિતીન ઉર્ફે નિખિલની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ નિતીનના બંને મિત્રો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર મૃતક યુવાને અગાઉ લવ મેરેજ કર્યા હતા. પરંતુ કોઈ કારણસર પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા બંનેએ છૂટાછેડા લીધા હતા. મૃતક નિતીન ઉર્ફે નિખિલ અનાજ કરિયાણાની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ બે ભાઈઓમાં પોતે નાનો હોવાનું પણ સામે આવ્યું છે.

મૃતક સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગોકુલપરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગત ૨૦મી તારીખના રોજ જમીને રાત્રે ૧૧ વાગ્યે ઘરની બહાર ગયો હતો. પરંતુ મોડી રાત સુધી પરત ના આવતા પરિવારજનોએ ફોન કરતાં ફોન પણ નો રીપ્લાય થતો હતો. તેમજ સમગ્ર મામલે રવિવારના રોજ પણ શોધખોળ હાથ ધરવામાં આવતા નિખિલનો પતો ન લાગતા આખરે તેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે તેની ગુમશુધાની નોંધ કરાવી હતી.

દરમિયાન પોલીસ દ્વારા પણ નીતિનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સોમવારના રોજ આજી નદીના કાંઠેથી એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને ઘટના સ્થળ પર બોલાવતા તેમણે મરણ જનાર વ્યક્તિ પોતાના દીકરો હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.