ઓડિશામાં મિસાઇલ પરીક્ષણ:ડીઆરડીઓએ ટેસ્ટ પહેલા ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યુ

ઓડિશાના બાલાસોર જિલ્લા પ્રશાસને ૧૦ ગામોમાંથી લગભગ ૨૦ હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. આજે બુધવારે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવી રહેલા મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ લોકોને ખસેડવામાં આવ્યા છે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર આઈટીઆર રેન્જમાં કરવામાં આવશે. આવી સ્થિતિમાં ડીઆરડીઓએ મિસાઈલ પરીક્ષણ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

બીજી તરફ, બાલાસોર જિલ્લા પ્રશાસને આ માટે ૧૦ ગામોમાંથી લગભગ ૨૦ હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. પ્રશાસને લોન્ચ પેડથી ૩.૫ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ખાલી કરાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ લોકોને પડતી અસુવિધાને ધ્યાનમાં લઈને તેમને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓની સમીક્ષા કરવા માટે મંગળવારે એક બેઠક બોલાવી હતી, બેઠક બાદ બુધવારે સવારે ૪ વાગ્યા સુધીમાં લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આ લોકોને આગળના આદેશો પછી જ તેમના ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

આ લોકોના રહેવા માટે હંગામી કેમ્પ બનાવવામાં આવ્યા છે. રાહત શિબિરોમાં આ લોકો માટે પીવાના પાણીથી લઈને હેલ્થ કેમ્પ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં માછીમારો અને મજૂરો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં, દરેક પુખ્ત વ્યક્તિ માટે પ્રતિ દિવસ ૩૦૦ રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સગીરો માટે ૧૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ભોજન માટે ૭૫ રૂપિયા અલગથી મળશે.