વિરપુર તાલુકાના ખરોડ ગામથી કૃષ્ણપુરા ગામે મંદિરથી પીકઅપ સ્ટેન્ડ જવાના રસ્તા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીનો ભરાવો થતાં કાદવ-કિચડનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. રહિશો આ કિચડવાળા રસ્તા પરથી ચાલીને જવા મજબુર બન્યા છે.
કૃષ્ણપુરા ગામ ખાતે પીકઅપ સ્ટેન્ડ જવાના માર્ગ પર વરસાદી પાણી દર ચોમાસામાં ભરાય છે. જેથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. ગંદકીવાળા પાણીમાંથી ચાલીને જવા ગ્રામજનો મજબુર બન્યા છે. આ માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. જેના કારણે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો થઈ જાય છે. જે વરસાદ બાદ પણ યથાવત રહે છે. હાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સહિતના રોગચાળાઓએ માઝા મુકી છે. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ બાબતે ગ્રામજનો દ્વારા પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી. જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 10 દિવસ અગાઉ સ્થાનિકો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજુઆત કરાઈ હતી. છતાં આજદિન સુધી કોઈ નિકાલ કરાયો નથી. જેથી વહેલી તકે આ સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. આ બાબતે સરપંચે જણાવ્યુ હતુ કે,જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે તે ખાનગી માલિકીની જગ્યા છે. જયાં બાંધકામ કરાતુ હોવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. છતાં બંને પક્ષો સાથે મિટીંગ કરી કાયમી નિકાલ કરવામાં આવશે.