કાલોલના પાધરદેવી ગામે પ્રાથમિક શાળાનુ શિક્ષણ કાર્ય બંધ રહ્યુ

કાલોલ તાલુકાના પાધરદેવી ગામમાં સતત બીજા દિવસે પણ બાળકોનુ શૈક્ષણિક કાર્ય ઠપ્પ રહ્યુ હતુ. પાછલા દસ વર્ષોથી બે વર્ગખંડો માટે બેપરવાહ બનેલા તંત્ર અને નેતાઓ સાથે થયેલા કડવા અનુભવોને કારણે થાકેલા ગ્રામજનોએ હે નવીન વર્ગખંડો વિના બાળકોને ભણવા નહિ મોકલવા માટે અડીખમ રહ્યા છે.

કાલોલ તાલુકાના પાધરદેવી ગામમાં ધો-1 થી 5 સુધીની પ્રાથમિક શાળાના પાછલા દસ વર્ષોથી બે વર્ગખંડો જર્જરિત બની જતાં નવા વર્ગખંડો બનાવવાની અનેક રજુઆતો કરવા છતાં વર્ગખંડો નહિ બનતા પાછલા બે વર્ષોથી ગામમાં એક રહેણાંક મકાનના ઓટલા ઉપર ચાલતી શાળાને મકાન માલિકે શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેતા બાળકોનુ શિક્ષણ કાર્ય ઠપ્પ રહ્યુ હતુ. આમ સતત બે દિવસથી બાળકોનુ શૈક્ષણિક કાર્ય ઠપ્પ રહેતા બાળકોના ભાવિ અંગે સવાલો ઉભા થયા છે. પાછલા બે દિવસોથી શૈક્ષણિક કાર્ય બંધ રહેતા તંત્ર માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અને પાધરદેવી પ્રાથમિક શાળા વિહોણા 48 બાળકોનુ શિક્ષણ કાર્ય ફરી કયારે અને કેવી રીતે શરૂ થશે એ ગંભીર પ્રશ્ર્ન બની ગયો છે.