હાલોલમાં નશામાં ધુત પતિએ પત્નિની હત્યાના પ્રયાસની ફરિયાદ ચાર વર્ષ બાદ કોર્ટના હુકમથી નોંધાઈ

હાલોલમાં રહેતા પતિ અને પત્નિ વચ્ચે તા.4/8/21ની રાત્રે થયેલ ઝધડામાં નશામાં ધુત પતિએ પત્નિ સાથે ઝધડો કરી અગાઉની ફરિયાદો પાછી ખેંચવા દબાણ કરી જાનથી મારી નાંખવાના ઈરાદે પત્નિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પત્નિએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. પણ પોલીસે કોઈ કારણોસર ફરિયાદ ન નોંધતા ન્યાય મેળવવા કોર્ટનો સહારો લીધો હતો. કોર્ટે પુરાવાના આધારે પતિ ઉમેશ નલવાયા સામે પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતા ધટનાના ત્રણ વર્ષ અને સાત મહિના બાદ પોલીસે પતિ ઉમેશ નલવાયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ મહિલાએ દાહોદ જિલ્લાના આમલીંધના નરેશ નલવાયા વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ઉમેશની ધરપકડ કરી જેલમાં ધકેલ્યો હતો. ઉમેશ જયુડિશીયલ કસ્ટડીમાં હોવા છતાં મહિલાને મોબાઈલથી ટેકસ મેસેજ કરી ધમકીઓ આપતા જે અંગે દાહોદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોૈખિક સમાધાન થતાં લગ્ન કરી હાલોલમાં રહેતા હતા. દરમિયાન તા.4/8/21ની રાત્રિએ બંને પતિ-પત્નિ વચ્ચે જુના કેસો બાબતે ઝધડો થયો હતો.

જયાં ઉમેશે કેસો પાછા ખેંચી લેવા અને પોતાના લાભમાં કોર્ટમાં જુબાની આપવા દબાણ કરી સમાધાન કરવા કહ્યુ હતુ. પત્નિએ હાલ મારે સમાધાન કરવુ નથી એવુ કહેતા દારૂના નશામાં ધુત ઉમેશે પત્નિનુ ગળુ દબાવી કાસળ કાઢી નાંખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઉમેશ હુમલા સમયે બોલતો હતો કે, તારો હાલ પણ સ્વીટી પટેલનો વડોદરામાં જે પી.આઈ.એ કરેલ છે તેવો જ હાલ હું કરવાનો છુ.

અને તને મારીને જંગલમાં જઈ તારી લાશ સળગાવી નાંખવાનો છુ. ધટનાથી નાસીપાસ થઈ ફફડતા પત્નિએ પતિ ઉમેશ નલવાયા વિરુદ્ધ હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ આપવા આવ્યા હતા. પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ જરૂરી પુરાવા સહિત પોતાના વકીલ મારફતે પતિ ઉમેશ નલવાયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા કોર્ટે જરૂરી કાર્યવાહી બાદ પોલીસને ઉમેશ નલવાયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતા પોલીસે ધટનાના પોણા ચાર વર્ષ પછી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.