મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક તપાસમાં ત્રણ સ્ટાફ નર્સની બદલી કરાતા દર્દીઓ રામ ભરોસે

  • મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 67 ગામોના 45 હજાર લોકોનો સમાવેશ અને માસિક 500 થી 600 ઓપીડી.

તાજેતરમાં મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનિયમિતતા ઝડપાઈ જતાં જીલ્લામાં એકસાથે 41 આરોગ્ય સ્ટાફની બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ સ્ટાફ નર્સની બદલી કરાઈ છે, પરતનું આ બદલીઓમાં સ્ટાફ નર્સની નિમણૂંક ન કરવામાં આવતા આરોગ્ય સેવાઓ પર ગંભીર અસરો પડી છે.

મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સાથે 3 સ્ટાફ નર્સની બદલી કરતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે. દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, દર્દીઓને ઈંજેક્ટબેલ સારવાર આપાતી નથી. તેમજ સગર્ભા માતાઓને લોહીના બોટલ પણ અપાતા નથી. તેમજ હાલ ચોમાસાની ઋતુમાં ઝાડા ઉલ્ટી તેમજ કૂતરૂં કરડવાના કેસોને પણ સારવાર મળતી નથી. જેના લીધે આજુબાજુના ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો પણ ભયંકર રીતે પ્રસરી રહ્યો છે, તેમજ ચાંદીપુરમ વાઇરસે પણ પગ પેસારો કરી રહયો છ.

ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા ગામોના દર્દીઓની સહેજ પણ દરકાર લીધા વગર સ્ટાફ નર્સોની બદલી કરી નાખી છે. જેના કારણે છેલ્લા આઠ-દસ દિવસથી સ્ટાફ નર્સ વગર દર્દીઓ ઇન્જેક્શનનો મુકાવ્યા વગર પાછા જવું પડે છે. મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 67 ગામોના 45 હજાર લોકોનો સમાવેશ અને માસિક 500 થી 600 ઓપીડી છે. ત્યારે તાત્કાલિક અસરથી નિર્ણય લઈ સ્ટાફ નર્સ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.