શહેરા તાલુકાના માતરીયાવ્યાસ ગામની મુખ્ય પ્રાથમિક શાળા સહિત બીજી સાત જેટલી પ્રાથમિક શાળાઓમાં સંજીવની આરોગ્ય રથની ટીમ દ્વારા ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તેનો ફેલાવો કેવી રીતે થતા હોવાની માહિતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તેનો ફેલાવો કેવી રીતે થતા હોવાની માહિતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આપવામાં આવી રહી છે. જ્યારે તાલુકાના માતરીયા વ્યાસ, મંગલીયાણા, મંગલપુર, નવાગામ અને ખોજલવાસા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે સંજીવની આરોગ્ય રથ સાથે આરોગ્યની ટીમ પહોંચી હતી.
પ્રાથમિક ખાતે ડોક્ટર પાયલ જોષી, પંકજ જાદવ અને નૈનેશ પટેલ સહિતની ટીમ દ્વારા બાલવાટિકા સહિત ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ ના લક્ષણો અને તેનો ફેલાવો કેવી રીતે થાય છે, તેમજ ચોમાસાની ઋતુમાં થતા રોગોની વિસ્તૃત માહિતી શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી. ઉપસ્થિત ડોક્ટર પાયલ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવીને અમુક વિદ્યાર્થીઓને તાવ, શરદી, ખાંસી હોવાથી તેમને જરૂરિયાત મુજબની દવા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંજીવની આરોગ્ય રથની ટીમ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત જાગૃત વાલીઓ અને શાળા પરીવાર ઉપસ્થિત રહયા હતા. જે રીતે જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિ દિન વધતો જતો હોય ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ ટીમો મોકલીને સર્વે હાથ ધરવામાં આવીને દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ જરૂરી છે.