- સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર સુનાવણી કરવા જઈ રહી છે.
મુંબઇ,
મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ ઘણો જૂનો છે. વાસ્તવમાં બંને રાજ્યોના કેટલાક સરહદી વિસ્તારો એવા છે કે જેના પર બંને રાજ્યોનો પોતાનો દાવો છે. મહારાષ્ટ્રનો દાવો કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં મરાઠી ભાષી લોકોની હાજરી પર આધારિત છે. તેવી જ રીતે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના ૪૦ ગામ મોટી સંખ્યામાં કન્નડ ભાષીઓને કારણે કર્ણાટકમાં જોડાવા માંગે છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આનો જડબાતોડ જવાબ આપ્યો છે.
આ વિવાદ ફરી એકવાર ગરમ થવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર સુનાવણી કરવા જઈ રહી છે. આવા પ્રસંગે કર્ણાટકના સીએમએ કહ્યું ‘મહારાષ્ટ્રના જાટ તાલુકાના ૪૦ ગામોના લોકો કર્ણાટકમાં જોડાવા માંગે છે. અમે તેમની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ.આ પછી મહારાષ્ટ્રમાં દરેક પાર્ટી તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જત તાલુકાના ગામડાઓની માંગ જૂની છે. પાણીની અછતની સમસ્યા છે. ગઈકાલે અને તેના આગલા દિવસે અમે આ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. અમે એક પણ ગામ મહારાષ્ટ્રથી કર્ણાટક જવા નહીં દઈએ. કોર્ટના નિર્ણયને માન આપીને કેન્દ્ર સરકારની મદદથી મંત્રણા દ્વારા ઉકેલ લાવીશું. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ શિરડીમાં સાંઈ બાબાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકમાં ભાજપની સરકાર છે, મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સરકાર છે જે ભાજપના ઈશારે ચાલે છે. ભાજપ મહારાષ્ટ્રને ૪-૫ ટુકડાઓમાં વહેંચવા માંગે છે. ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે જવાહરલાલ નેહરુની ભૂલ હતી કે રાજ્યની સીમાઓ આટલી અતાકક રીતે નક્કી કરવામાં આવી. જો કર્ણાટક સરકાર મહારાષ્ટ્રમાં ૪૦ ગામોનો દાવો કરી રહી છે તો કર્ણાટકમાં પણ આવા સેંકડો ગામો છે, જેના પર અમારો દાવો છે, તેમને આ યાનમાં રાખવા દો.
આ સમગ્ર મામલે નાગપુરમાં મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા સરહદ વિવાદના મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સંપૂર્ણ મદદ કરવાની અમારી યોજના શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રનું એક પણ ગામ ક્યાંય નહીં જાય. અમે સુપ્રીમ કોર્ટમાં લડીને કર્ણાટકના બેલગામ, કારવાર, નિપાની સહિત અનેક ગામોને મહારાષ્ટ્ર પરત લાવીશું.
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના જાટ તાલુકાના ગામોએ વર્ષ ૨૦૧૨માં કર્ણાટક જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ આ વાત જૂની થઈ ગઈ છે. ગ્રામજનોએ પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી હતી. ફડણવીસે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કર્ણાટક સાથે વાતચીત કરી હતી. આ ગામોનો મહૈસાલની સુધારેલી યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં ફડણવીસે કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન આ યોજનાઓને માન્યતા આપવામાં આવી ન હતી. કદાચ કોરોનાને કારણે નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ યોજના પર કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ગામડાઓમાં પાણી ઉપલબ્ધ થશે. આ માટે કેન્દ્ર સરકારે પૈસા પણ આપ્યા છે. યોજનાઓ પૂર્ણ કરવા માટે પૈસાની કોઈ કમી નથી.