ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરવામાં આવી છે.પ્રદેશના સહ કોષાયક્ષ અને શહેર સંગઠનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરાયા પછી એએમસીમાં નવા પ્રભારી તરીકે પૂર્વ મંત્રી રજની પટેલની વરણી કરાઈ છે.
નળ, ગટર, પાણીની પ્રજાકીય સમસ્યાઓ સાથે દૂર-દૂર સુધી કોઈ લેવા દેવા ન હોય તેવા નેતાને એએમસીના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા હોવાનું મ્યુનિ. અને ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે એએમસીની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, જે નેતાને મ્યુનિ.ની કામગીરી સાથે કાંઈ લાગતું વળગતું ના હોય અથવા શહેરીજનોના પ્રશ્ર્નો અને સમસ્યાઓ અંગે કામગીરીનો કોઈ અનુભવ ન હોય તેવા નેતાને કોર્પોરેશનમાં પ્રભારીની નિમણૂંક આપી દેવાઇ છે. પ્રભારી તરીકે રજની પટેલની નિમણૂંક પછી સંગઠન અને મ્યુનિ. ભાજપમાં ચાલતા આંતરિક વિખવાદો અને ડખા દૂર થશે ખરા ? એવી ચર્ચા જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે, એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા ધર્મેન્દ્ર શાહ કોર્પોરેશનનો ખૂબ બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેઓને એએમસીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.