સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત ૯ સ્થળે તાળા તૂટ્યા

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી દીધી છે. વડાલીમાં દુકાનના શટરના તાળા તોડીને ૩૭ મોબાઈલની ચોરીની ઘટના બાદ હિંમતનગરમાં પણ તસ્કરો ત્રાટક્યા છે. શહેરના સહકારી જીન વિસ્તારમાં તસ્કરો ત્રાટક્તા એક હોસ્પિટલ સહિત ૯ સ્થળે તાળા તૂટ્યા છે. તસ્કરોએ એક ડેન્ટલ હોસ્પિટલ અને પાર્લર સહિતને નિશાન બનાવતા ચોરી આચરી હતી.

ચોરીની ઘટના અંગે વેપારીઓએ પોલીસને જાણ કરતા સ્થાનિક શહેર પોલીસની ટીમો સ્થળ પર દોડી આવી હતી. એ ડિવિઝન પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે હવે તસ્કરોને ઝડપી લેવા માટે ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. જે સીસીટીવી ફૂટેજમાં તસ્કરો મોબાઇલની લાઈટ લઈને ચોરી કરતા નજર આવી રહ્યા છે.