છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૧ તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ગુજરાતના આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો.. સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તારાજી સર્જી દીધી. ઉનાનો મછુંદ્રી ડેમ પણ આખરે ઓવર ફલો થયો છે. શિંગોડા હિરણ૧ હિરણ બે(કમલેશ્ર્વર) બાદ ગીર નો વધુ એક ડેમ ઓવર ફલો થયો. ગીરમાં પડી રહેલ વ્યાપક વરસાદ બાદ ગીર સોમનાથ અને જૂનાગઢના લગભગ ડેમો ઓવર ફલોની સ્થિતિમા આવી ગયા છે.
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું. લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદારે જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂંક કરાઈ. ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુક્સાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગને લઇને અનેક લોકો પાણીમાં ફસાયા હતા. સમગ્ર ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકાના અલગ અલગ ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧ લોકો પાણીમાં ફસાયા હતા. કેશવપુર, ગામે ૪ વ્યક્તિઓ જ્યારે ટંકારીયા ગામે ૪ વ્યક્તિઓ ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. તેમજ પાનેલી ગામે ૩ વ્યક્તિઓ ફસાતા હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પાનેલી ગામે રેશક્યું કરાયેલા ૩ લોકોને હેલીકોપ્ટર દ્વારા જામનગર લઇ જવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ ૧૫, ડેમો માંથી ૮ આઠ ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે.
નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી જિલ્લાના ગણદેવી, ચીખલી અને ખેરગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાતે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીના ૬ કલાકમાં ખેરગામ તાલુકામાં ૩.૨૦ ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીમાં જળસ્તર વયા છે. કાવેરી નદી ૧૧ ફૂટ તો અંબિકા નદી ૧૧.૪૮ ફૂટ ઉપર પહોંચી છે. બંને નદીમાં જળસ્તર વધતા કેટલાક લો લેવલ પુલ નદીના પાણીમાં ગરકાવ થયા છે. આજે પણ નવસારી જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. સતત વરસાદી માહોલથી નવસારીમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.