જાતિ અને ધર્મના કટ્ટરવિરોધી રહેલા રામાસ્વામી પેરિયારના વિચારો પર ચાલવાનો દાવો કરતી દક્ષિણ ભારતની દિગ્ગજ પાર્ટી ડીએમકે અનેકવાર સનાતન ધર્મના વિરોધમાં મુખર થઇને સામે આવે છે. જ્યારે આ વખતે ડીએમકે નેતા અને તમિલનાડુની એમ.કે.સ્ટાલિન સરકારમાં કાયદા મંત્રી રેગુપથીએ કહ્યું કે ભગવાન રામ પણ દ્રવિડિયન મોડેલના અગ્રદૂત હતા. રામરાજનું કોન્સેપ્ટ દ્રવિડિવિયન મોડેલ જેવું જ છે. હવે રેગુપથીના નિવેદન પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે.
કંબન કઝગમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભગવાન રામ સામાજિક ન્યાયના સંરક્ષક હતા. પેરિયાર, અન્નાદુરાઈ, મુખ્યમંત્રી સ્ટાલિન અને પૂર્વ સીએમ કરુણાનિધિથી પહેલા ભગવાન રામ જ સામાજિક ન્યાયના સંરક્ષક હતા અને તેમણે દ્રવિડિયન મોડેલને આગળ વધાર્યું. રામ જ એ નાયક હતા જેમણે સેક્યુલારિઝમ (બિનસાંપ્રદાયિક્તા) અને સામાજિક ન્યાયને દુનિયાભરમાં ફેલાવ્યાં. રામે જ કહ્યું કે બધા લોકો સમાન છે.
રેગુપથિએ કહ્યું કે રામાયણ એટલા માટે લખવામાં આવી હતી કે જેથી ભવિષ્યમાં લોકોમાં સમાનતા રહે. જો મને તક મળશે તો હું અયોયાના રામ મંદિરમાં દર્શન કરવા જઈશ. તેમના આ નિવેદનને ભાજપે બકવાસ ગણાવ્યું અને કહ્યું કે દ્રવિડ સરકારની તુલના રામ રાજ્ય સાથે ન કરી શકાય. તમિલનાડુ ભાજપે કહ્યું કે,ડીએમકેનું દ્રવિડિયન મોડલ રામ રાજ્ય જેવું નથી પરંતુ રાવણ રાજ્ય જેવું છે. સનાતન ધર્મનો નાશ કરવાનો દાવો કરનાર ડીએમકે નેતાનું નિવેદન તદ્દન હાસ્યાસ્પદ છે.
ભાજપે કહ્યું કે ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ખતમ કરવાની વાત કરી હતી. હવે એ જ પાર્ટીના નેતાઓ વોટબેંક માટે ભગવાન રામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા વર્ષે એમકે સ્ટાલિનના ઉત્તરાધિકારી અને ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે જેનો વિરોધ કરવાની નહીં પરંતુ તેને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જરૂર છે.