દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારીએ સુરતના એક વેપારીને રૂા.9,90,000નો માલસામાન ડિલીવર કર્યા બાદ ટુંકાગાળામાં સુરતના વેપારી દ્વારા નાણાં ચુકવી દેવાની બાંહેધરી આપતાં વારંવાર નાણાંની વસુલાત કર્યા છતાંય લીમડીના વેપારીને નાણાં આપ્યાં ન હતાં અને ત્યાર બાદ સુરતના વેપારીએ પોતાના નામનો ચેક આપ્યો હતો.
જ્યારે તે ચેક લીમડીના વેપારીએ બેન્કમાં જમા કરાવતાં સુરતના વેપારીના બેન્ક ખાતામાં નાણાંના અભાવે ચેક ર્રિટન થયો હતો અને આ મામલે લીમડીના વેપારી દ્વારા સુરતના વેપારી સામે દાહોદની કોર્ટમાં કેસ કરતાં કોર્ટ દ્વારા સુરતના વેપારીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદની સજાની સાથે સાથે ચેકની બમણી રકમ લીમડીના વેપારીને ચુકવવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
તારીખ 15.09.2022ના રોજ ઝાલોદના લીમડી નગરમાં આવેલ મહાવીર ઈન્ફાસ્ટ્રક્ચરના પ્રોપ્રાઈટર પ્રવીણચન્દ્ર બાબુલાલ કર્ણાવટ બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતાં હોઈ તેઓએ સુરતના વેપારી ઘનશ્યામભાઈ પ્રગજીભાઈ રાદડીયાને રૂા.9,90,000ની કપચીની ડીલીવરી કરી હતી. આ રકમ આરોપી ઘનશ્યામભાઈ દ્વારા ટુંક સમયમાં પરત ચુકવવા બાંહેધરી આપી હતી, પરંતુ આ રકમ ઘનશ્યામભાઈએ મહાવીર ઈન્ફાસ્ટ્રક્ચરને ચુકવવવામાં આવ્યાં ન હતાં. પ્રવીણચન્દ્ર દ્વારા અવાર નવાર પોતાના નાણાંની માંગણી કરતાં હતા.
પરંતુ ઘનશ્યામભાઈ દ્વારા નાણાં ચુકવવામાં આવ્યાં ન હતાં અને ઘનશ્યામભાઈ દ્વારા પોતાના નામનો ચેક લખી પ્રવીણભાઈને આપ્યો હતો. ત્યારે પ્રવીણભાઈ બેન્કમાં પોતાના બેન્ક ખાતમાં આ ચેક જમા કરાવતાં તારીખ 14.12.2022ના રોજ ઘનશ્યામભાઈના બેન્ક ખાતામાં નાણાંના અભાવે ચેક રિટર્ન થયો હતો. ચેક રિટર્ન થતાં આ મામલે પ્રવીણભાઈ દ્વારા ધનશ્યામભાઈ વિરૂધ્ધ દાહોદની કોર્ટમાં કેસ કર્યો હતો.
આ કેસ દાહોદના એડીશનલ જ્યુડી.મેજી. ફ.ક. ની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટએ મહાવીર ઈનફાસ્ટ્રક્ચરના વકીલ અલતાફ મનસુરી તથા જાવેદ મનસુરીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ઘનશ્યામભાઈ પ્રગજીભાઈ રાદડીયાને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂા.19,80,000 પ્રવીણચન્દ્ર બાબુલાલ કર્ણાવટની પેઢી મહાવીર ઈન્ફાસ્ટ્રક્ચરને ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.