દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં ખેડુતોને સમયસર ખાતરનો પુરવઠો મળી રહે અને ખાતરના ભાવમાં થતી ગેરરીતી, કાળાબજારી અટકાવવા બાબતે ઝાલોદમાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ ખેતી નિયામક અધિકારી (વિસ્તરણ)ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદની આમ આદમી પાર્ટી દ્વારા નાયબ ખેતી નિયામક અધિકારી (વિસ્તરણ), દાહોદને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ તાલુકામાં આવેલ તમામ લાયસન્સ ધારક ખાતર માલીકો સંઘ અને ડેપો ઉપર કોઈપણ પ્રકારની ખાતરના ભાવની પાવતી આપવામાં આવતી નથી અને દુકાનની બહાર કોઈપણ ભાવ પત્રક દર્શાવેલ નથી. સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ ખાતરની થેલી સાથે ફરજીયાત નેનો યુરીયા બોટલ આપવી જરૂરી નથી. તેમ છતાં આ તમામ દુકાન ધારકો ગરીબ ખેડુતોને ખુલ્લેઆમ પોતાના ભાવ લઈ લુંટી રહ્યાં છે. ઘણા ખરા લાઈસન્સ ધારકો ખાતરને બારોબાર કાળા બજારમાં મનમાન્યા ભાવે વેચીને ગેરરીતી આચરે છે. જેથી ખેડુતોને ખાતર માટે વલખા મારવાનો સમય આવ્યો છે. જેથી ખરેખર આવા લાઈસન્સ ધરાવતાં દુકાનદારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લાઈસન્સ રદ કરાવામાં આવે જો આ સમસ્યાનું નિરાકરણ ટુંક સમયમાં ન આવશે તો ઝાલોદ તાલુકા આમ આદમી પાર્ટીને ગાંધી ચીધ્યા માર્ગે ઉતરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.