આ મારૂ..ઘર..સે હું નહિ જવાની કહી ત્રણ દિવસથી મહિલા દુકાનના ઓટલા ઉપર બેસી રહી

ઘોઘંબા બજારમાં છેલ્લા ત્રણ દિવસથી અસ્થિર મગજની મહિલા ભાઈનું છોકરૂં લઈને વેપારીના ઓટલા ઉપર પિતાનું ઘર સમજી બેસી ગઈ પોલીસની દરમિયાનગીરીથી પરિવારજનો યુવતીને ઘરે લઈ જતા લોકટોળા ઉમટ્યા. ઘોઘંબા મુખ્ય બજારમાં આવેલી નિરવભાઈ સોનીની દુકાનના ઓટલા ઉપર માલુ ગામની સુર્યા નામની મહિલા આવીને બેસી ગઈ હતી. વેપારી દ્વારા તેને ભગાડવાના પ્રયત્નો કર્યા પરંતુ મહિલા ત્યાંથી ખસી નહીં ગ્રામજનોને પણ બોલાવી સમજાવટ કરી પરંતુ મહિલા મારૂ ઘર છે, તેમ કહી ત્યાં જ બેસી રહી અને રાત પણ ત્યાં જ રોકાઈ હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સુર્યા નામની મહિલા અસ્થિર મગજની છે અને ઘરના તેમજ પડોશના છોકરા રમાડવા લઈ જતી હતી. માં-બાપ વિનાની બહેનને ભાઈએ ખરોડ પરણાવી હતી, પરંતુ ત્યાં ન ફાવતા યુવતીએ પોતાની મરજીથી ચાઠા ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ માનસિક સંતુલન ગુમાવી દેતા બે દિવસથી ઘોઘંબા બજારમાં આવેલા એક વેપારીના ઓટલા પર બેસી ત્યાંથી જવાનું નામ લેતી ન હતી. વેપારીએ આખરી પોલીસની મદદ લઈ યુવતીના પરિવારજનોને સોંપવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે મહિલા પાછી આવી જતાં મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાને ગાડીમાં બેસાડી ચાઠાં ગામે તેના પતિને ઘરે લઈ જઈ પતિને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.