દ્વારકામાં ચાર કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્તા બધુ જળબંબાકાર

દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો.જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આભ ફોટયા જેવી સ્થિતિ સર્જાઈ. કલ્યાણપુર પંથકમાં ચાર કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુરા વરસાદના પગલે ભાટિયા, દેવરિયા, લાંબા, હર્ષદ, રાવલ સહિતના વિસ્તારોના માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયા હતા.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આગામી બે દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, દ્વારકા જિલ્લો અને નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપલેટાના લાઠ ગામમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને કારણે લાઠ ગામ સાથે સંપર્ક પણ તૂટ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતા વાહાન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. બીજી તરફ રાજકોટ જિલ્લાના જ પીપળીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૬ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

પોરબંદર જિલ્લામાં એક્સાથે ૨૭ ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે ૪ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૯ ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે.

પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં જળ તાંડવ સર્જાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસ્યા છે.રાણાવાવના ગોપાલ પરા, આશાપુરા ચોક, સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા છે.સાથે સાથે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ ૯૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.