- લીઝ પર લીધેલી જમીન પર રોડ બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો
મધ્યપ્રદેશ ના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ ડમ્પરમાં ભરેલી માટી મહિલાઓ પર ઠાલવી દીધી. જેના કારણે એક મહિલા તેની કમર સુધી અને બીજી તેના ગળા સુધી માટીના ઢગલામાં દટાઈ ગઈ. બાદમાં પાવડા વડે માટી કાઢીને બંનેને બહાર કાઢવામાં આવી. ત્યારબાદ એક મહિલા બેહોશ થઈ ગઈ. મામલો મંગાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગેવ ચોકી ગામનો છે. આ વિવાદ શનિવારે થયો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ મામલો લીઝ પરની જમીન પર બળજબરીથી રોડ બનાવવાનો છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના અયક્ષ જીતુ પટવારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ મામલે સરકારને ઘેરી છે. એડિશનલ એસપી વિવેક લાલનું કહેવું છે કે મહિલાઓ વિરોધ કરી રહી હતી. ડમ્પરમાંથી માટી ઠાલવી દેવામાં આવી, જેમાં બે મહિલાઓ દટાઈ ગઈ. તપાસ ચાલુ છે.
જમીન પર રોડ બનાવવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંનેના ઘર નજીકમાં છે. ગોકર્ણ પ્રસાદ પાંડે અને મહેન્દ્ર પ્રસાદ પાંડે રસ્તો બનાવવા માગતા હતા. જીવેશ કુમાર પાંડે અને શિવેશ કુમાર પાંડે તેમને રોક્તા હતા. આ દરમિયાન ઝઘડો થયો હતો. પહેલા ઝઘડો થયો. આ પછી મમતા પાંડે (પત્ની જીવેશ) અને આશા પાંડે (પત્ની શિવેશ) પર માટી ઠાલવી દેવામાં આવી. ગોકર્ણ અને મહેન્દ્રના કહેવાથી મઢી ગામનો ટ્રક માલિક રાજેશ સિંહ માટી લઈને આવ્યો હતો.
ગંગેવ ચોકીના રહેવાસી જીવેશ કુમાર પાંડે અને શિવેશ કુમાર પાંડેએ જણાવ્યું કે, લીઝની જમીન પર બળજબરીથી માટી નાખીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. અમે મઢી ગામના રાજેશ સિંહને માટી નાખવા માટે મનાઈ કરી હતી. આના પર ગોકર્ણ પ્રસાદ પાંડે અને મહેન્દ્ર પ્રસાદ પાંડેએ અમારી પત્નીઓને માર માર્યો હતો. તેમના પર માટી નાખીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મમતા પાંડે અને આશા પાંડેને ગંગેવ પ્રાથમિક સબ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.
કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે રોડ બનાવવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. એક બાજુએ રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો. આ માટે, હાઈવામાં માટી ભરીને લવાઈ હતી. જ્યારે બંને મહિલાઓએ રસ્તો બનાવવાનો વિરોધ કર્યો તો ડ્રાઈવરે ઝડપથી તેમના પર માટી ઠાલવી દીધી. ત્યાં હાજર ગ્રામજનોએ બંને મહિલાઓને બચાવીને બહાર કાઢી હતી.
કલેકટરે કહ્યું- મેડિકલ કોલેજમાં બંને મહિલાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘટનામાં વપરાયેલ હાઈવા પણ જપ્ત કરવામાં આવ્યું છે.
પીસીસી ચીફ જીતુ પટવારીએ ઠ પર લખ્યું, ’આ ઘટનાએ ફરી એકવાર ભાજપના શાસનમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મધ્યપ્રદેશ મહિલાઓ પર અત્યાચારમાં પ્રથમ ક્રમે છે. મુખ્યમંત્રી, શું આ બહેનો તમારી સરકાર પાસેથી અપેક્ષા રાખી શકે કે આ ઘટનાની નિષ્પક્ષ અને સત્વરે તપાસ થશે?
તમારી સરકાર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવામાં વારંવાર નિષ્ફળ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે લખ્યું, ’જ્યારે મહિલાઓએ તેમની જમીન પર રોડ બનાવવાનો વિરોધ કર્યો, ત્યારે ગુંડાઓએ તેમને માટી નીચે દબાવીને જીવતા દાટી દેવાનો પ્રયાસ કર્યો. ભાજપ સરકારમાં માફિયાઓનું વર્ચસ્વ છે. દલિતો, આદિવાસીઓ, મહિલાઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે.જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા એક્સ પર રીવામાં આ ઘટના અંગે લખ્યું છે કે પોલીસે આ મામલે કેસ નોંયો છે. આરોપીને પકડવા અને વાહન કબજે કરવા ટીમ રવાના કરવામાં આવી છે.