
- આંતર જ્ઞાતિય લગ્ન માટે સરકાર દ્વારા અપાતી રૂ. 2, 50, 000 ની આર્થિક સહાય કરતી યોજના.
- લીમખેડા તાલુકાના રહેવાસી રેલોતી પ્રકાશભાઈ માટે આશીર્વાદરૂપ બની આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના.
- જાણે અમારો બધો ખર્ચ અને ચિંતા સરકારે ઉઠાવી લીધી – લાભાર્થી પ્રકાશ રેલોતી.
ગુજરાત સરકાર સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ જેવા વિવિધ વિકાસશીલ કાર્યો તેમજ યોજનાઓ થકી સામાજીક સમરસતા પ્રસ્થાપિત કરવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ બની છે. તેમાંની અનુસૂચિત જાતિ સમાજ માટેની એક યોજના એટલે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના.
સમાજમાં રહેલાં અશપૃષ્યતાના દુષણો દૂર થાય તેમજ લોકો એકબીજા વચ્ચે રહેલી નકારાત્મકતાને છોડે, સમાજમાં સમરસતા આવે, હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ હિન્દુ ધર્મની અન્ય જાતિ સાથે લગ્ન કરવા પ્રેરાય તે હેતુથી આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી.
દાહોદ જીલ્લો એ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલો એક એવો જીલ્લો છે જ્યાં મોટેભાગે આદિવાસી સમાજ રહે છે, પોતાના જ રીત- રિવાજ અને રસમ વડે તમામ કામોની શરૂઆત કરતા આ આદિવાસી સમાજ સુધી પણ વિવિધ યોજનાઓ પહોંચાડવામાં રાજ્ય સરકાર સફળ રહી છે.
હા, અહીં વાત કરીએ છીએ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ઝેર – જીતગઢ ગામના રહેવાસી અને આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનાના લાભાર્થી પ્રકાશભાઈ મગનભાઈ રેલોતીની. પ્રકાશભાઈ રેલોતી પોતે અનુસૂચિત જાતિના હોવા ઉપરાંત તેમણે અનુસૂચિત જનજાતિની યુવતી જોડે લગ્ન કર્યા છે. પ્રકાશભાઈ રેલોતી પોતે સેન્ટીંગનું કામ કરી ઘર – ગુજરાન ચલાવે છે. તેઓ જણાવે છે કે, હું ફક્ત 9 ધોરણ સુધી જ ભણેલો છું. મને પહેલા આ યોજનાની જાણ નહોતી. પાછળથી જયારે યોજનાની જાણ થઇ એટલે તરત જ એની બધી વિગતો જાણી, સમજી ને બધા પ્રમાણપત્રો ભેગા કરીને આ યોજનાનો લાભ લેવા માટેની અરજી કરી હતી.
તેઓ વધુમાં ઉમેરતા જણાવે છે કે, અમને બન્નેને લગ્ન પછી આર્થિક રીતે કોઈપણ પ્રકારની તકલીફ નથી પડી. સરકારએ અમને રૂ. 1, 00, 000 નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તેમજ રૂ. 1, 50, 000 ઘર ગથ્થું સામાન લાવવા માટે મદદ કરી છે, જે રકમ કંઈ નાનીસુની નથી. એ માટે અમે બન્ને સરકારનો ઘણો – ઘણો આભાર માનીએ છીએ.
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના કારણે ઘણા લોકોને આર્થિક રીતે સહાય મળી રહી છે. રાજ્ય સરકારની આવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. સમાજના લોકો સહિત દરેક સમાજનો પણ વિકાસ થાય તેમજ સમાજ દુષણ મુક્ત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.