ચોમાસા સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડુતો દ્વારા રાખવાની થતી કાળજી

  • બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે જીલ્લાના તમામ ખેડૂતોનએ અધિકૃત વિક્રેતા પાસેથી જ વિવિધ ઈનપુટની ખરીદી કરવાનો આગ્રહ રાખવા જણાવવામાં આવે છે.

ખેડા જીલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ મંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી છેતરપીંડીથી બચી શકાય.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુર નામ, સરનામું ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જીલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.

ખરીદ કરેલ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં કોઈ ફરીયાદ જણાય તો આવી ફરીયાદના નિવારણ અર્થે સરકાર દ્વારા જીલ્લા કક્ષાની ઉભા પાકની કમિટિની રચના કરવામાં આવેલ છે. જેના અધ્યક્ષ જે તે જીલ્લાના જીલ્લા ખેતીવાડી અધિકારી તથા સભ્ય તરીકે જે તે જીલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તથા કૃષિ યુનિવર્સીટી કૃષિ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઉભા પાકની ફરીયાદ માટે અરજદાર દ્વારા સંબંધિત જીલ્લાના જીલ્લા ખેતીવાડી અધિકારીને ફરીયાદ કરવાની રહે છે તથા ફરીયાદના આધારે ઉભા પાકની કમીટી દ્વારા સ્થળની મુલાકાત કરી જે તે હકીકત હોય તે મુજબ નુકશાનીના અંદાજ સાથે ખેડૂતને અહેવાલ આપવામાં આવે છે. જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થાય છે. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નડિયાદ દ્વારા જણાવવામા આવ્યું છે.