ઈન્ડોનેશિયા: દાદીના મૃતદેહ પાસે બાળક જીવતો મળ્યો, ભૂકંપમાં ૨૭૧ બાળકોમાંથી ૧૦૦ના મોત

સિયાનજુર,

ઈન્ડોનેશિયામાં ૩ દિવસ પહેલા આવેલા વિનાશકારી ભૂકંપ બાદ રાહત કાર્ય અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સિયાનજુરમાં પણ યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું, જેમાં છ વર્ષના બાળકને કાટમાળમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, ભારે વરસાદને કારણે બચાવ કાર્ય અટકાવવાની ફરજ પડી હતી. સિયાંજુરમાં સોમવારે આવેલા ૫.૬ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨૭૧ લોકોના મોત થયા છે.

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર ભૂકંપ આવ્યા બાદ મૃતકો અને ગુમ થયેલા લોકોની શોધ માટે બુધવારે વધુ બચાવ કાર્યકરો અને સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા હતા. હજુ પણ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે, જ્યારે કેટલાક દૂરના વિસ્તારોમાં હજુ સુધી પહોંચી શક્યા નથી. ૫.૬ની તીવ્રતાના ભૂકંપમાં ૨ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

ટાપુ પર ભૂકંપના કેન્દ્રની નજીકની હોસ્પિટલ ઘાયલોથી ભરેલી છે. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા સુહર્યંતોએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન વધારવા માટે બુધવારે ૧૨,૦૦૦ સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ, બચાવ એજન્સી અને સ્વયંસેવકોના ૨,૦૦૦ સંયુક્ત દળો સર્ચ ઓપરેશનમાં તૈનાત છે.

તેમણે કહ્યું કે બચાવર્ક્તાઓએ વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા અને કાટમાળમાંથી છ વર્ષના બાળકને જીવતો બહાર કાઢ્યો. તેણે જણાવ્યું કે બાળક તેના ઘરના કાટમાળ નીચે તેની દાદીના મૃતદેહ પાસે મળી આવ્યો હતો.

સુહર્યંતોએ કહ્યું કે ૫૮,૦૦૦ થી વધુ લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ૨,૦૪૩ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ૬૦૦ લોકો વિવિધ ઇજાઓ માટે સારવાર હેઠળ છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સિયાંજુરમાં ૫૬,૦૦૦ થી વધુ ઘરોને નુક્સાન થયું છે.

તેમણે કહ્યું કે સિયાનજુરમાં ૫૬,૨૩૦ થી વધુ મકાનોને નુક્સાન થયું છે અને ૩૧ શાળાઓ સહિત ૧૭૦ થી વધુ જાહેર ઇમારતો નાશ પામી છે. ભૂકંપની સૌથી વધુ અસર બાળકોને થાય છે. ભૂકંપમાં મૃત્યુ પામેલા ૨૭૧ લોકોમાં લગભગ ૧૦૦ બાળકોનો સમાવેશ થાય છે.

“અમે ધરતીકંપથી દુ:ખી છીએ, ખાસ કરીને કારણ કે બાળકો અપ્રમાણસર રીતે પ્રભાવિત થયા છે,” બાળ કલ્યાણ સાથે સંબંધિત ખ્રિસ્તી માનવતાવાદી જૂથ, વહાના વિસી ઇન્ડોનેશિયાના યાકોબસ રાન્ટુવેને જણાવ્યું હતું.