સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નેમપ્લેટ વિવાદ, યુપી સરકારના આદેશને પડકાર, કાલે સુનાવણી

ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની NGOએ  સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી ૨૦ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ ૨૨ જુલાઈના રોજ સોસાયટી ફોર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સની અરજી પર સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા રૂટ પર આવતી ખાણીપીણી, ઢાબા, ફળોની દુકાનો અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતી નેમપ્લેટ દર્શાવવા માટે કહ્યું છે. જેને લઈને રાજ્ય સહિત દેશનું રાજકારણ ગરમાયું છે.

વિપક્ષે યુપીની યોગી આદિત્યનાથ સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવ્યો છે અને ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ આ આદેશ મુઝફરનગર પોલીસ દ્વારા માત્ર જિલ્લાના કાવડ યાત્રા માર્ગો પર આવતી દુકાનો અને ખાણીપીણી માટે જાહેર કરવામાં આવ્યો હતો. વિપક્ષના વિરોધ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, હલાલ સટફિકેશન વિના પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સાવન મહિનામાં કાવડ યાત્રા ૨૨ જુલાઈથી શરૂ થઈ રહી છે. રાજ્યમાં ચાર મુખ્ય કાવડ યાત્રા રૂટ છે. ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. આમાંથી એક મુખ્ય કાવડ યાત્રા રૂટ ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. પશ્ચિમ યુપીના માર્ગો ઉપરાંત કાવડ યાત્રા પૂર્વીય યુપીના વારાણસીથી પણ શરૂ થાય છે અને ઝારખંડના દેવગઢમાં સમાપ્ત થાય છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં બારાબંકી અને ગોંડા વચ્ચે કાવડ યાત્રા પણ થાય છે.