શહેરાના ખાંડીયા પાસે ટ્રકમાં લઈ જવાતો પંચરવ લાકડાનો જથ્થો ફોરેસ્ટ વિભાગે ઝડપ્યો

શહેરા,

શહેરાના ખાંડીયા પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપરથી ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ એ પંચરવ લાકડા ભરેલ લેલન ટ્રકને ઝડપી પાડી હતી. વન વિભાગ એ લાકડા અને વાહન મળીને અંદાજિત રૂપિયા 5 લાખનો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.

શહેરા ગોધરા હાઇવે માર્ગ ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન લાકડા ભરેલ વાહનોની અવર જવર વધી જતા ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ તેમજ બીટગાર્ડ હિતેશ ગઢવી, જે.આર.નાયક, જરવરિયા બાલુભાઈ અને અરવિંદભાઈ સહિતનો સ્ટાફ પ્રેટોલિંગમાં હતા. ખાંડિયા ગામ પાસે પસાર થતા માર્ગ ઉપર થી પંચરવ લાકડા ભરેલ લેલન ટ્રક ગોધરા તરફ જઈ રહી હતી. તેને વન વિભાગના સ્ટાફ એ ઊભી રાખવા માટે હાથ કરતા ઊભી રાખી હતી. ટ્રકના ચાલક પાસે લાકડાની હેરા ફેરી કરવા માટેના જરૂરી કાગળો માંગતા યોગ્ય જવાબ નહીં મળતા લાકડા ભરેલ ટ્રકને ફોરેસ્ટ કચેરી ખાતે લાવીને તપાસ હાથ ધરી હતી. પંચરવ લાકડા અને ટ્રક મળી અંદાજીત 5 લાખ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ફોરેસ્ટ વિભાગ એ ટ્રકમાં રહેલ પંચરવ લાકડા ક્યાંથી ભરેલ હતા અને ક્યાં ખાલી કરવાના હતા. તે દીશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પર અને અણીયાદ તરફ અને હાઈવે માર્ગ ઉપર ટીંબા પાટીયા પાસે રાત્રિ દરમિયાન વધુ લાકડાની હેરા ફેરી થઇ રહી છે. વૃક્ષોનું બેરોકટોક નિકંદન થઇ રહયું છે. ત્યારે વન વિભાગ એક્શનમાં આવીને એક સપ્તાહમાં ત્રીજી બે નંબરી લાકડાની ગાડી પકડી પાડતા લાકડા ચોરોમાં છુપી રીતે ફફડાટ ફેલાયો છે. જોકે, શિયાળામાં પંચરવ લાકડાની માંગ વધુ હોવાથી વન વિભાગ પણ વૃક્ષોનું નિકંદન અટકે તે માટે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠી છે.