ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવેલાં લલિતાબેન હમીરભાઈ મકવાણાએ કરેલા સોગંદનામાને લઈને વિવાદ સામે આવ્યો છે. તેમણે પરિણીત અને સંતાનો હોવા છતાં પણ અપરિણીત હોવાનું ખોટું સરનામું દર્શાવ્યું હતું. બાદમાં ખોટું સોગંદનામું ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં નવા વાડજ વોર્ડમાંથી તેઓ કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા. આ અંગે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર પુષ્પાબેન પરમાર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે કોર્ટમાં પ્રાથમિક રીતે લલિતાબેન મકવાણાએ ખોટું સોગંદનામું કર્યું હોવા અંગે પુરાવા મળી આવતા હવે ક્રિમિનલ કેસ કોર્ટમાં ચાલશે તેમણે પહેલા લગ્ન ૧૯૯૫માં થયા હતા અને બીજા લગ્ન ચૂંટણી પછી ૨૦૨૨માં કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
લલિતાબેન વિરુદ્ધ મળી આવેલા પુરાવા અને પોલીસ તપાસમાં અનેક હકીક્તો સામે આવી છે. લલિતાબેન મકવાણા બે વર્ષ પહેલાં તેમના બંને દીકરાને મળવા માટે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં આવેલા કરમાળ પીપળિયા ગામે ગયાં હતાં અને દીકરાના બે નાના દીકરા માટે એક એક જોડી કપડાં પણ લઈને ગયાં હતાં.
લલિતાબેન મકવાણાએ વર્ષ ૧૯૯૫માં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં આવેલા કરમાળ પીપળિયા ગામે રમેશભાઈ પાલાભાઈ પરમાર સાથે લગ્ન કર્યા હતા. રમેશભાઈ પાલાભાઈના પિતા પાલાભાઈ પરમાર દીકરો સુનિલ, ભાવેશ અને પુત્રવધૂનાં નિવેદન પોલીસે લીધાં છે. જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેના આધારે લલિતાબેનના અગાઉ લગ્ન થઈ ચૂક્યાં છે અને તેમને સંતાનો પણ છે. છતાં પણ તેઓએ અપરિણીત હોવાનું ચૂંટણીના સોગંદનામાં દર્શાવ્યું હતું. ૨૦ વર્ષથી વધુ સમયથી તેઓ અમદાવાદ ખાતે રહે છે અને વર્ષ ૨૦૨૨માં બીજા લગ્ન પણ કરી લીધા છે.
લગ્ન બાદ રમેશભાઈ મજૂરી કામ કરતા હતા એ તેઓને ગમતું નહોતું. જેના કારણે તેઓ પિયરમાં રહેવા જતાં રહ્યાં હતાં. ત્યારબાદ એક વખત તેઓને સમજાવીને પરત લાવ્યાં હતાં. પરંતુ ચાર-પાંચ મહિના રહ્યા બાદ રિસાઈને તેઓ પરત અમદાવાદ જૂના વાડજ ખાતે તેમના પિતાના ઘરે આવતાં રહ્યાં હતાં. ૨૦ વર્ષથી વધુ સમયથી લલિતાબેન જૂના વાડજમાં રહે છે.
રમેશભાઈ છેલ્લાં અનેક વર્ષોથી માનસિક બિમાર હોવાનું કહેવાય છે. લગ્ન બાદ લલિતાબેનને ત્રણ સંતાનો થયાં હતાં. સુનિલ, ભાવેશ અને અન્ય એક દીકરીનો જન્મ થયો હતો. જો કે, દીકરીનું મૃત્યુ થયું છે. સુનિલ અને ભાવેશ તેમના પિતા સાથે રહે છે. લલિતાબેનના જ્યારે લગ્ન થયાં ત્યારે તેઓના સાસરીમાં ત્રણ નામ ચાલતાં હતાં. લલિતાબેન, કાંતાબેન અને લતાબેન નામથી ઓળખાતાં હતાં. લલિતાબેનના સસરા પાલાભાઈ પરમારે પોલીસ સમક્ષ એફિડેવિટ કરી અને આપ્યું છે કે, તેઓના દીકરાનાં પત્ની લલિતાબેન મકવાણાનાં ત્રણ નામ હતાં. જેને હાલમાં બે પુત્રો પણ છે.લલિતાબેન મકવાણાએ વર્ષ ૨૦૨૨માં જૂના વાડજના ગાંધીનગરના ટેકરા ખાતે રહેતા હસમુખભાઈ પરમાર સાથે લગ્ન કરી લીધાં છે. જે અંગેનું મેરેજ સટફિકેટ પણ વાડજ પોલીસની તપાસમાં લેવામાં આવ્યું છે. હસમુખભાઈ લલિતાબેનને છેલ્લાં ૧૦ વર્ષથી ઓળખે છે અને વર્ષ ૨૦૨૨માં જ તેઓએ લગ્ન કરી લીધાં છે. લલિતાબેનનાં લગ્ન રમેશભાઈ બાલાભાઈ પરમાર સાથે થયા છે કે કેમ અને રમેશભાઈને જાણતા નથી તેવી હકીક્ત પણ પોલીસને તેઓએ જણાવી છે.
ફરિયાદી પુષ્પાબેન પરમારનું કહેવું છે કે વર્ષ ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સામે ભાજપના ઉમેદવાર લલિતાબેન મકવાણાએ ઉમેદવારી નોંધાવી. જેમાં તેઓએ જે સોગંદનામું રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેમાં તેઓ પરિણીત હોવા છતાં પણ અપરિણીત અને સરનામું ખોટું દર્શાવ્યું હતું. જે અંગે રિટનગ ઓફિસર અને પોલીસ કમિશનરને પણ તેઓએ ફરિયાદ કરી હતી તેમ છતાં પણ આ બાબત યાને લેવામાં આવી નહોતી. જેથી કોર્ટમાં તેઓએ ફરિયાદ કરી હતી અને પોલીસને તપાસ કરી રિપોર્ટ આપવા કહ્યું હતું. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે તેઓએ લગ્ન કર્યા હોવા અંગેના પુરાવા મળી આવ્યા છે. કોર્પોરેટર તરીકે તેઓ ડિસક્વોલિફાય થાય તેવી માગ છે. આ બાબતે હવે કોર્ટની આગળની કાર્યવાહી ચાલશે.
આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે પુરાવા મળી આવ્યા છે. કોર્ટમાં પુરાવા તરીકે અગાઉના લગ્ન કર્યા તેમના સસરા, બાળકોનાં નિવેદન છે અને હાલમાં જ તેઓએ લગ્ન કર્યા હોવા અંગનું મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. જેને લઈને ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.