જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત, રસ્તાઓ બંધ અને રેલવે પ્રભાવિત: ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘરનાઓને પણ ઘણું સહન કરવું પડ્યું છે. અવિરત વરસાદના કારણે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે ૨૫ જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ ૮ સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે માંગરોળની નોલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સામે કાંઠે આવેલા ચાર ગામો તાલુકાના સંપર્ક વિહોણા બની ગયા છે. સેખપુર, લંબોરા, વિરપુર, સકરાણા સહિતના ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બની ગયા છે. નોલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો સામાકાંઠાના ગામડાઓમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે. જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવાડ ડેમ સંપૂર્ણ રીતે ભરાયો હતો. ભાખરવાડ ડેમ ભરાઈ જતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવાડ, વડાલા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભાખરવડ ડેમ ફરી વખત ઓવરલો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે. ૧૫ થી વધારે ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોનાં ગામો વડાળા, અવાણીયા, ભાખરવડ, માળીયાહાટીના, જાનડી, ઘુમટી, આંબેચા, નાની ધણેજ, મોટી ધણેજ, ગડુ શેરબાગ, ભંડુરી સહિતના વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જરૂર પડે તો પોલીસ, વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.

વંથલી,માણાવદર, કેશોદ, માંગરોળમાં વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ૭૫ રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે ૬૫ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં એસટીના ૧૪ રૂટ કરાયા બંધ. જિલ્લાના ૧૯માંથી ૯ ડેમ ઓવરફ્લો થયા છે. નદીકાંઠાના ૫૩ ગામડાઓને એલર્ટ કરાયા છે. માંગરોળમાં એક કાચું મકાન ધરાશાઈ થયું છે. માળીયાહાટીનાનાં કાત્રાસા ગામે કાર તણાઇ છે. ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ, જાનહાનિ નહિ. તાલુકામાં ૪૦ એગ્રી ફિડર અસરગ્રસ્ત થયા છે.

ત્રણ જ્યોતિગ્રામ ફીડર થયા અસરગ્રસ્ત. પાણી ઓસરતાં વીજ પુરવઠો પૂર્વવત કરાશે. કંટ્રોલ રૂમમાં ૧૮ ફરિયાદ નોંધાઈ જેનો નિકાલ આવ્યો છે. હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે. લોકોને બિનજરૂરી અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં એસડીઆરએફ અને કેશોદમાં એનડીઆરએફ તૈનાત કરાઈ છે. કોઈપણ વન્યપ્રાણીને જાનહાનિના સમાચાર નહીં. દોલતપરા નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા માલસામાન બગડ્યો છે.માળીયાહાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાળી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે. રસ્તો ધોવાઈ જતા લોકોની અવર જવરમાં મુશ્કેલી વધી છે. વીજપોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો છે.

જૂનાગઢના માળીયાહાટીનામાં ભારે વરસાદ થયો હતો. મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. માંગરોળ-કેશોદ રોડ પર ફરી પાણી ભરાયા હતા. વંથલી, કેશોદ, પોરબંદરમાં વોટર બોમ્બની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોલ પાસેના ઓસા ગામ બેટમાં ફેરવાયું હતું. ભાણવડના નવાગામ રોડ પર વરાડી નદીના પાણી ઓવરફ્લો થયા હતા. જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પુન: એન્ટ્રીથી કેશોદના મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયું છે. લોકોના ઘર હોય કે ઈમારતો હોય કે દુકાનો અને મંદિરો બધું પાણીમાં ડૂબી ગયું છે. ઘેડ પંથકના મુળીયાસા ગામના લોકો અવારનવાર પાણી ભરાવાના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં અનેક માર્ગો બંધ થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. જૂનાગઢના કેશોદ, વંથલી, માંગરોળ, માંદરા, માળીયા તાલુકાના કૂલ ૬૪ રસ્તાઓ બંધ છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે ૩ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ ૨ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે.