અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે: ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા છે

અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે ૨૦૨૩માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં ૮૭૦ના મોત થયા છે. આમ અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં ૧૧ ટકા હિસ્સો ધરાવે છે. આ બતાવે છે કે અમદાવાદના વાહનચાલકો કેટલી બેફામ રીતે વાહન ચલાવે છે.

અમદાવાદ શહેરમાં થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ ૫૩૫ના મોત થયા છે તો જિલ્લાના બીજા ભાગમાં થયેલા અકસ્માતોમાં કુલ ૩૩૫ના મોત થયા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (જીઆરએસએ)ના તાજેતરના આંકડા ઘણા ચિંતાજનક છે. તેમા મોરબી જિલ્લામાં દર લાખની વ્યક્તિએ ૨૧.૪૩ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તેના પછી ગાંધીનગરમાં દર લાખની વસ્તીએ ૧૯.૪૦ લોકોના મોત થયા છે. તાપીમા ૧૯.૨૧, ભરૂચમાં ૧૮.૮૩, વલસાડમાં ૧૮.૩૫ના મોત થયા છે. જ્યારે ૨૦૨૩માં રાજ્યમાં અકસ્માતથી થતાં મોતની દર લાખે સરેરાશ ૧૩ની હતી.

જીઆરએસએના આંકડા મુજબ ૩,૨૬૮ અકસ્તોમાં ટુ-વ્હીલર સંડોવાયેલા હતા. આમાના ૨૪ ટકા કાર અને ૨૨ ટકા ટ્રક અકસ્માત સાથે સંલગ્ન હતા. રાજ્યમાં કુલ માર્ગ અકસ્માતોમાં થતાં મોતના ૪૬ ટકા મોત તો દ્વિચક્રી વાહનચાલકોના થયા હતા.

આ ઉપરાંત રસ્તા પર ચાલનારા પણ સલામત થતાં નથી. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ ૭,૮૩૪ મોતમાં ૧,૭૫૭ મોત એટલે કે ૨૨ ટકા મોત રસ્તે ચાલતા જનારાઓના હતા. આ કેસમાં મોતને ભેટેલાઓમાં ૨૮ ટકાને કારે અને ૧૮ ટકાને ટ્રકે ટક્કર મારી હતી.

જો કે ૨૦૨૪માં રાહતની વાત એ છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતોથી થતાં મોતમાં ઘટાડો થયો હોવાનું જીઆરએસએના આંકડા જણાવે છે. તેનું કારણ ચુસ્ત અમલ અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો છે. ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં કુલ ૪,૨૩૫ના મોત થયા હતા તો ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૩,૮૯૯ના મોત થયા છે.

અમદાવાદ ઉપરાંત જોઈએ તે સુરત રૂરલમાં ૪૯૪, સુરત શહેરમાં ૩૦૯, બનાસકાંઠામાં ૩૨૭, વડોદરા ગ્રામ્યમાં ૩૧૫, વલસાડમાં ૩૧૩, ભરૂચમાં ૨૯૨, દાહોદમાં ૨૭૪, ગાંધીનગરમાં ૨૭૦ના મોત થયા છે.