ગુજરાતમાં ચોમાસાની ૠતુ જામી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો આજે સવારે ૪૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ૧૪ ઈંચ વરસાદથી પોરબંદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે, એટલુ જ નહીં શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૦૨ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ પોરબંદરમાં ૧૪ ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવમાં ૯.૫ ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં ૮ ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં ૭ ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં ૬.૬ ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં ૬.૫ ઈંચ વરસાદ, ૮ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ, ૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ, ૮ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ,ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા. બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામનાં વાડી વિસ્તારમાંથી ૭ લોકોનું ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
ભારે વરસાદનાં કારણે પાણી ભરાતા લોકો ફસાયા હતા.બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી ૨ લોકોનું રેસ્ક્યું કરાયું હતું. રાણાવાવમાંથી ૨ સહિત કુલ ૧૧ લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. સુદામાં ચોક, એમજી રોડ પાસે પાણી ભરાયા હતા. ખીજડી પ્લોટ ગાર્ડન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. છાયા પ્લોટ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા.
પોરબંદર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં ૯ ઈંચ, કુતિયાણામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. અલગ અલગ વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે.