પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે, જેમાં આવક વધુ અને જાવક ઓછી છે, જેથી મધ્યમ વર્ગના ખેડૂતને નફા સાથે પોસાઈ શકે છે

  • રાસાયણિક ખેતીના કારણે જમીન અને પાકની સાથોસાથ માનવીય પ્રકૃતિ પણ વિકૃત થઇ રહી છે.
  • દાહોદમાં સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામના પટેલ રાજુભાઈ પ્રાકૃતિક કૃષિ થકી ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ.
  • દાહોદના દરેક ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમાં આર્થિક ફાયદા સહિત ઘણા ફાયદાઓ છે.- ખેડૂત પટેલ રાજુભાઈ.

પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે. જેના કારણે જમીન, પ્રકૃતિ, સમય અને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે. અત્યારે પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને જમીનને જીવંત કરવાના ઉત્તમ હેતુથી સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ગુજરાતના છેવાડે આવેલા દાહોદ જીલ્લામાં પણ જાગૃત ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્ય તમામ ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે આગળ આવ્યા છે. જે માટે આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતી તાલિમ, શિબિર, ખેતી વિષયક વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

દાહોદ જીલ્લાની વાત કરીએ તો અહીં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. આદિવાસી જીલ્લાની ઓળખ ધરાવતા દાહોદ જીલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જે એક હકારાત્મક સંકેત ગણી શકાય છે. આત્મા પ્રોજેક્ટના સતત પ્રયત્નો તેમજ સતત આપવામાં આવતી તાલીમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા તરફ આકર્ષિત કરી રહી છે.

હા, આપણે વાત કરીએ છીએ દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામના એક પ્રગતિશીલ ખેડૂત પટેલ રાજુભાઈની. જેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી અઢળક નફો મેળવી રહ્યા છે. ખેડૂત પટેલ રાજુભાઈ પોતાના અનુભવ વિશે જણાવતા કહે છે કે, હું મારી 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી જ કરૂ છું. જેમાં પહેલાં કરતાં હવે આવક વધુ અને જાવક ઓછી થઇ છે. જેમાં સીઝનલ પાકની સાથે મોટેભાગે શાકભાજી તેમજ વેલાવાળા શાકભાજીનું વાવેતર કરૂ છું.

તેઓ કહે છે કે, આત્મા પ્રોજેક્ટ તેમજ સુભાષ પાલેકર દ્વારા યોજાયેલ કાર્યશાળામાં ભાગ લીધા બાદ મને થયું કે પ્રાકૃતિક ખેતી ખરેખર અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતી અપનાવવાનું મૂળ કારણ ગણીએ તો પાકનો સ્વાદ, પાકનું વધતું ઉત્પાદન, પાકની ગુણવતા, જમીનની વધતી ફળદ્રુપતા તેમજ વધતી આવક. જયારે રાસાયણિક ખેતીમાં આવક કરતાં જાવક વધી જાય છે, જે કોઈપણ મધ્યમ વર્ગના ખેડૂતને પોસાય એમ નથી. કારણ કે રાસાયણિક ખેતી પદ્ધતિ ખર્ચાળ ઘણી છે.

હું મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી તેમજ અન્ય પાકનું પણ વાવેતર કરૂ છું. ઘરે જ પોતાના પરિવાર સાથે મળીને જાતે જ ખાતર બનાવીને જાતે જ છઁટકાવ કરૂં છું. જેમાં બહારથી ખાતર ખરીદવાનો અને લાવવાનો ખર્ચ બચી જાય છે. ગૌ મૂત્ર તેમજ ગોબરનો સારો ઉપયોગ થઇ જાય છે. જેના કારણે અળસીયા વધવાથી જમીન પોચી અને ફળદ્રુપ બની છે. જીવાતનું પ્રમાણ ઓછું થયું, પિયતમાં ઘટાડો થયો છે. પાકનો મૂળ સ્વાદ સચવાય છે, પાકનું ઉત્પાદન વધ્યું, સારો પાક હોવાથી એની માંગ પણ વધી અને સારો પાક સારા ભાવે વેચાય છે. પરિવાર હવે ઘરે બેઠાં જ અને વગર ચિંતાએ અનાજ કે શાકભાજી ગ્રહણ કરી શકે છે. હવે એક ખેડૂતને આનાથી વધારે શું જોઈએ..!

એમ કહેતા ખેડૂત પટેલ રાજુભાઈએ ગંભીર મુદ્રામાં ઉમેર્યું હતું કે, રાસાયણીક ખેતી થકી આજના અને આવનાર સમયમાં ખુબ જ વિપરીત અસર થઇ શકે છે. જેમાં તમામ પાક, ફળો, શાકભાજી કે કોઈપણ ખાવા લાયક અનાજ પણ ઝેર ખાવા સમાન હશે. આજે તો માનવીય પ્રકૃતિ પણ વિકૃત થઇ રહી છે. જેથી આપણે આપણા પોતાના પરિવાર માટે થઈને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો દ્રઢ નિર્ણય લેવો પડશે..!