આજરોજ પંચમહાલ જીલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી,ગોધરા ખાતે જીલ્લા સૈનિક બોર્ડ તથા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.
આ બેઠકના અધ્યક્ષ અને જીલ્લા કલેકટરએ પંચમહાલ મહીસાગર અને દાહોદ જીલ્લાઓના સેવારત સૈનિકો/પૂર્વ સૈનિકો તથા તેઓના આશ્રિતોની સમસ્યાઓની સમીક્ષા કરાઈ હતી. બેઠકના સભ્યઓ તરફથી રજૂ થયેલ સૈનિક કલ્યાણ તથા પૂર્વ સૈનિકોને સંબંધિત વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી. બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલ વિવિધ આર્થિક સહાય તથા એકત્રિત થયેલ ભંડોળ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સૈનિકો દેશનું ગૌરવ છે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે.
અહી નોંધનીય છે કે, જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પંચમહાલ ખાતે 30 જૂન 2024ની સ્થિતિએ દાહોદ,પંચમહાલ અને મહીસાગર જીલ્લાના કુલ 2095 પૂર્વ સૈનિકો,338 સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ તથા 6961 આશ્રિતીનો નોંધણી કરવામાં આવી છે. રાજ્ય સૈનિક બોર્ડ તરફથી એપ્રિલ થી જૂન 2024 દરમિયાન કુલ 18 કેસોમાં 3,19,550 જેટલી સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ 31 કેસોમાં રૂ. 8,53,200ની આર્થિક સહાય ચૂકવાઇ છે. પંચમહાલ જીલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંતર્ગત કુલ 7.95 લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
આજની બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ સહિત કમિટીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.