હાલોલ શહેરની બહાર હાલોલ વડોદરા હાઈવે જ્યોતિ સર્કલ નજીક પાવાગઢ બાયપાસ રોડ થી પગપાળા યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા પદયાત્રીઓ તેમજ આ રસ્તે થી પસાર થતા રાહદારીઓ માટે માટે ફૂટપાથ બનાવવામાં આવેલ છે. જે ફૂટપાથ પર છેલ્લા કેટલાય વર્ષોથી કેટલાક ઈસમો એડિંગો જમાવીને બેસી ગયા છે અને ત્યાં ગેરકાયદેસરના કાચા પતરા ના શેડ વાળા કે અન્ય પ્રકારના દબાણ ઊભા કર્યા હતા. તેમજ આ ફૂટપાઠની સામેના મુખ્ય રોડ પર પણ મકાઈ ડોડા વેચતા તેમજ વિવિધ ખાણીપીણીની ચીજ વસ્તુઓ વેચતા ઈસમો દ્વારા ગેરકાયદેસરના દબાણો ઉભા કરાયા હતા.
જે જે દબાણોના કારણે આ રસ્તે અવારનવાર ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય અને અન્ય તકલીફો પણ ઉભી થતી હોઈ ગત દિવસોમાં હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાલોલ નગરપાલિકાના સહકારથી હટાવી આવા તમામ ગેરકાયદેસરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, તેમ છતાં થોડાક જ દિવસમાં ફરી આ સ્થળે કેટલાક લોકો દ્વારા ફરીવાર ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવતા આજે ફરી એકવાર આ ગેરકાયદેસરના દબાણનો સફાયો બોલાવવાની તજવીજ હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી.
જેમાં આજે શુક્રવારે બપોરે 4:00 વાગ્યા બાદ આ તમામ ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનની મદદથી તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરી, પીએસઆઇ એમ.એલ.ગોહિલ તેમજ હાલોલ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ફાયર ફાઈટરની ટીમ અને હાલોલ પોલીસના કર્મચારીઓની હાજરીમાં જ્યોતિ સર્કલથી પાવાગઢ પાવાગઢ બાયપાસ રોડ તરફ જતા ફૂટપાથ પર કાચા પાકા ઝૂંપડપટ્ટી જેવા રહેઠાણ બનાવી ગેરકાયદેસર દબાણો કરતા આ તમામ લોકોના દબાણો આજે તોડી પાડવામાં આવ્યા હતા અને આ ફૂટપાથને ખુલ્લો કરવામાં આવ્યો હતો જ્યારે આ ફૂટપાઠની સામેના મુખ્ય રોડ પર રોડની સાઈડમાં મકાઈ ડોડાનો ધંધા કરતા તેમજ વિવિધ ખાણી પીણીની ચીજ વસ્તુઓ વેચવા માટે લારી ગલ્લા કેબીન અને પતરાના કાચા છાપરા વાળા શેડ બનાવીને દબાણ કરનારા લોકોના ગેરકાયદેસરના દબાણો પણ હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા આજે તોડી પાડવામાં આવ્યા હતા અને આ રસ્તો ટ્રાફિકને અનુકૂળ બને તેના માટે ખુલ્લો કરવામાં આવ્યો હોવાની માહિતી મળવા પામી છે.