સીએમ ભુપેન્દ્ર પટેલે ચાંદીપુરા વાઇરસના પગલાંની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓ ની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્ર્નરશ્રીઓ, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

સીએમએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુર્તજ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી શહેરસમાં ૫ મોત થયા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અને શંકાસ્પદ આ પાંચેય દર્દીઓના મોત થયા. દર્દીઓ ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હોવાની આશંકા તેમાં જોવા મળતા લક્ષણોના આધાર થઈ. ચાંદીપુરા વાયરસના લક્ષણોને આધારે મોત પામનાર તમામ પાંચેય દર્દીઓના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી થતા મોતનો આંકડો વધવા લાગ્યો છે. અત્યારસુધી ૧૯ લોકોના આ વાયરસથી મોત થયા છે. ચાંદીપુરા વાયરસ સ્વદેશી વાયરસ છે અને કોરોના બાદ આ પ્રકારનો ભયંકર વાયરસ દેશમાં ખળભળાટ મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી મોટાભાગે ૬૦ વર્ષથી નાની વયના અને ખાસ કરીને ૧૫ વર્ષથી નાની વયના લોકો વધુ ભોગ બની રહ્યા છે.

એક પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ ચાંદીપુર વાયરસ કોરોના કરતાં પણ ખતરનાક છે. વધુમાં ડોક્ટરે કહ્યું કે આ વાયરસ મૂળ મહારાષ્ટ્રના નાગપુર સ્થિત ચાંદીપુર ગામથી આવ્યો હોવાથી તેનું નામ ચાંદીપુર વાયરસ પડ્યું. આ વાયરસ ભારતમાં જ જોવા મળે છે. વિશ્વમાં હજુ સુધી આ વાયરસના દર્દી કયાંય પણ નોંધાયા નથી. આ વાયરસના શંકાસ્પદ કેસો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યા છે.