અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનાની તપાસ ચાલુ છે. આ ઘટનામાં સામેલ હુમલાખોર થોમસ મેથ્યૂ ક્રુક્સને સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળે જ ઠાર માર્યો હતો. હવે સવાલ છે કે શું પાકિસ્તાની પત્રકાર આ ઘટના માટે ભારત તરફ ઈશારો કરી રહ્યો છે. તાજેતરમાં જ પેન્ટાગોનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાની પત્રકારે આ ઘટનાના તાર કેનેડા અને ન્યૂયોર્કની ઘટના સાથે જોડી દીધા.
એક રિપોર્ટ અનુસાર પેન્ટાગોન તરફથી આયોજિત પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાની પત્રકાર જહાંજેબ અલીએ એક સવાલ પૂછ્યો. તેણે પ્રેસ સેક્રેટરી પેટ રાયડરને પૂછ્યું કે શું રવિવારે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની રેલી પર થયેલી ફાયરિંગમાં વિદેશી તાકાતો પણ સામેલ હતી. આ ઘટનામાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત થઈ ગયા હતાં કેમ કે ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાની પત્રકાર અલીનો સવાલ હતો, શું તમને લાગે છે કે કોઈ વિદેશી તાકાત આ દેશમાં અશાંતિ પેદા કરવા માટે આ પ્રકારના હત્યાના પ્રયત્નમાં સામેલ છે. તેણે આગળ પૂછ્યુ, અમે મીડિયામાં એવા ઘણા ન્યૂઝ સાંભળી રહ્યાં છીએ કે કોઈ વિદેશી દેશનું નામ હોઈ શકે છે, કેમ કે તાજેતરમાં જ ન્યૂયોર્કમાં એક અમેરિકી નાગરિકને મારવાનો પ્રયત્ન અને કેનેડામાં વિદેશી સરકાર સામેલ રહી છે.
અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગના ઇન્સ્પેક્ટર જનરલે કહ્યું છે કે વિભાગ પેન્સિલ્વેનિયામાં આયોજિત રેલીમાં થયેલા હુમલા દરમિયાન યુએસ સિક્રેટ સવસ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળવાની રીતની તપાસ કરી રહ્યાં છે. એજન્સીએ બુધવારે પોતાની વેબસાઈટ પર એક નોટિસમાં કહ્યું કે તપાસનો હેતુ પૂર્ણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ૧૩ જુલાઈની રેલી દરમિયાન તેમને સુરક્ષા પૂરી પાડવા સંબંધિત સિક્રેટ સવસની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવાનો છે.
જોકે, તપાસ ક્યારે શરૂ કરવામાં આવી, તેની કોઈ તારીખ જણાવાઈ નથી. રેલીમાં થયેલા ફાયરિંગની ઘટના બાદ એ સવાલ ઉઠી રહ્યાં છે કે બંદૂકધારી તે છત પર પહોંચવામાં કેવી રીતે સફળ થયો જ્યાંથી પૂર્વ રાષ્ટ્રપતિ સીધા તેના નિશાના પર આવે.
રાષ્ટ્રપતિ જો બાઈડને રેલીમાં સુરક્ષા વ્યવસ્થાની સ્વતંત્ર સમીક્ષાના પહેલા જ આદેશ આપ્યા છે. સિક્રેટ સવસના ડાયરેક્ટર કિમ ચીટલે કહ્યું કે એજન્સી બાઈડન દ્વારા આપવામાં આવેલા સમીક્ષાના આદેશને સમજે છે અને આ તેમાં તથા ફાયરિંગની ઘટના પર યાન આપી રહેલી સંસદીય સમિતિઓની સંપૂર્ણ રીતે મદદ કરશે.