ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ (૧૫૯૦૪)નો કોચ પાટા પરથી ઉતરી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ ૧૦ થી ૧૨ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.જેમાં એક વ્યક્તિનું મોત થયું છે દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાઇ ગયા હતાં આથી બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગોંડા શહેરથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે થઈ હતી. આ ટ્રેન ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં આ અકસ્માતને કારણે ગોરખપુરથી લખનૌ ડાઉનલાઈન પર વાહનોની અવરજવરને અસર થઈ છે. તેનાથી અડધો ડઝનથી વધુ ટ્રેનોને અસર થઇ છે