રાજકોટમાં આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ પહેલા કોંગ્રેસના બંને કોર્પોરેટરની અટકાયત

રાજકોટમાં આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ હતી.આ બેઠકમાં કોંગ્રેસ અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવવાની છે, પરંતુ કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવે તે પહેલા કોંગ્રેસના બંને કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કોર્પોરેટર અને ભૂતપૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની અટકાયત કરવામાં આવી હતી તેમની સાથે કોમલ ભારાઈની પોલીસે અટકાયત કરી છે.

તેઓ પીડિત પરિવાર સાથે ઊભા હોવાથી અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ વિરોધ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસને હવે ખબર પડી ગઈ છે કે સરકારને ક્યાં જોડો ડંખે છે તેથી તેણે છેક હવે કોર્પોરેટર સ્તરથી વિધાનસભા ભવન સુધી રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડને રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી લીધી છે.

રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતોની કરેલી મુલાકાત કોંગ્રેસની આ તૈયારીનો જ હિસ્સો છે. તેથી આગામી સમયમાં કોંગ્રેસ અગ્નિકાંડને લઈને સરકાર સમક્ષ આગઝરતું વલણ અપનાવતા જોવા મળે તો નવાઈ નહીં લાગે. તેમા પણ સરકારી વિભાગોમાં ચાલતી લાલિયાવાડી આ અગ્નિકાંડ સામેની કોંગ્રેસની લડતને બળ પૂરુ પાડશે.