ગુજરાતમાં હાલ ચોમાસાને કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઇ જાય છે. આ વરસાદી પાણીને કારણે રાજકોટમાં કરૂણાંતિકા બની છે. શહેરના મવડીના હરિદ્વાર હાઈટસના બી-વીંગમાં રહેતી ૨૦ વર્ષની નિરાલી વિનોદભાઈ કાકડીયાને નાનામવા રોડ પર વરસતા વરસાદમાં વીજશોક લાગતા મૃત્યુ નિપજયું છે. આ ગોઝારી ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર વીજ વિભાગની બેદરકારીને કારણે તેમની દીકરીનો જીવ ગયો હવોનો આરોપ લગાવી રહ્યો છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ કિસ્સો તમામ વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ યુવતી વરસતા વરસાદમાં ટુ વ્હીલર લઈને નાનામવા રોડ પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન રસ્તાની વચ્ચે આવેલા ડિવાઇડર પર આવેલા વીજ થાંભલા પાસેથી પસાર થતી વખતે અચાનક તેને પાણીમાંથી વીજકરંટ લાગ્યો હતો. જે બાદ તે બેભાન થઇ ગઇ હતી અને તેને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યું નીપજ્યું હતુ.