સતત પાંચ પાંચ વર્ષ થી ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના નદીસર,ખજૂરી (ન), કબીરપુર, છાપરિયા, ટોળાના મુવાડા પંથકના ખેડૂતોના માથે દશા બેઠી છે. નબળો વરસાદ, સિંચાઇની વ્યવસ્થા બદતર અને વીજળીના ઠેકાણા નહિ સતત માર ખાતો ખેડૂત હવે નાસીપાસ થઇ ગયો છે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના નદીસર તેમજ આસપાસના ગામોમાં પાંચ વર્ષ ઉપરાંત થી ખેડૂતોની માઠી દશા બેઠી છે. અહીંયા સતત પાંચમા વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. જુલાઈ માસ હવે દશ દિવસમાં પૂર્ણ થશે, પણ હજુ ડાંગરની રોપણી પાણીના અભાવે શક્ય બની નથી. હજુ સુધી ક્યારીઓ ભરાઈ તેવો વરસાદ પડ્યો નથી. આ તરફ અહીંયાના નાના મોટા થઈને છ તળાવો ખાલી છે. ત્યારે ખેડૂતોને ડાંગર રોપણી માટે પાનમ સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે, પણ વર્ષો થી જે સમસ્યા છે તે રીતે નદીસર પંથકમાં સિંચાઇનું પાણી આગળના ગામોમાં રોપણી પૂર્ણ ના થાય ત્યાં સુધી આવે તેમ નથી.
આ તરફ ખેડૂત શનાભાઈ કે વણકર, રમેશભાઈ એ પટેલ, રઘુવીરસિંહ વિરપુરા સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારે ડાંગરનું દરૂ તૈયાર થઇ ગયું છે. એજ તરફ વરસાદ નથી. બીજી તરફ પાનમ સિંચાઇનું પાણી પણ આવતું નથી, તો ત્રીજી શક્યતા કૂવાઓ માંથી પાણી લઈને પણ રોપણી કરી દઈ એ પણ ખેતી માટે મળતો થ્રી ફેજ પાવર પણ લાઈન ફોલ્ટ વારંવાર થવાના કારણે પૂરતો અને સમયસર મળતો નથી વીજ કંપની ને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે.
નદીસર પંથકની પાનમ સિંચાઇની કેનાલ અને તેની માઈનોર કેનાલોમાં સફાઈ કામ પણ નિયમિત થતું નથી. તેમજ અહીંયા સતેરાવ તળાવનું આધુનિક કરણ કરીને સદર તળાવ મારફતે જો સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવે અથવા તો નદીસર પંથકને રેના મુખ્ય કેનાલ માંથી પાઇપ લાઇન મારફતે સીધું પાણી આપવા આવે તો અથવા તો નર્મદા કેનાલ માંથી નવી યોજના બનાવીને સિંચાઇ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો જ નદીસરને બારે માસ પાણી મળી રહે તેમ છે. નદીસર થી માંડ પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલા મોરવા, ગોકળપુરા, ઊંજડા જેવા ગામોમાં ખેડૂતો ચોમાસુ અને ઉનાળુ બન્ને સીઝન ડાંગરનું ભરપૂર માત્રામાં વાવેતર કરીને સારી આવક મેળવે છે. જ્યારે નદીસરમાં ચોમાસાનું સીઝનમાં પણ મહામુસીબતે ડાંગર રોપણી શક્ય બને છે. જેમાં પણ સમયસર પાણી ન મળતા ખેડૂતોને પાકમાં નુકશાન વેઠવું પડે છે.
આ તરફ નદીસર પંથક તાલુકામાં સૌથી વધુ ખેતીવાડી વીજ કનેક્શન ધરાવતો વિસ્તાર છે, છતાં સમયાંતરે નિયમિત મુખ્ય લાઈન અને એલ.ટી. લાઈનોનું સમારકામ ન થવાના કારણે ચોમાસામાં વારંવાર વિંજ ફોલ્ટની સમસ્યાના કારણે ખેડૂતોને વીજ પુરવઠો પુરતો મળતો નથી.
સતત પાંચ પાંચ વર્ષ થી ઉપરોક્ત સમસ્યાને લઈને ખેડૂતને મોટાભાગના પાકોમાં અત્યંત નુકશાન વેઠવું પડે છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં સતત થ્રી ફેજ વીજ પુરવઠો નિયમિત મળે અને તાત્કાલિક પાનમ સિંચાઇનું પાણી મળી રહે તેજ અહીંયા ખેડૂતોની માંગ છે.