બાલાસિનોરમાં વિકાસપથની સ્ટ્રીટ લાઈટોના ખુલ્લા વાયરથી વીજ કરંટ લાગવાનું જોખમ

  • પોલ નીચેના વાયર ખુલ્લા હોય ચોમાસામાં ભય હેઠળ લોકો પસાર થઈ રહ્યા છે.

બાલાસિનોર ખાતે નગરપાલિકાના વિકાસપથ પર સ્ટ્રીટ લાઈટોના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ આ થાંભલાઓના વાયરો ખુલ્લા હોય ચોમાસામાં વીજ કરંટ લાગવાનો ભય રહેલો છે. રાજપુરી દરવાજાથી બસ સ્ટેશન સુધીના માર્ગ ઉપર અનેક જગ્યાએ થાંભલાનાં ખુલ્લાં વાયર મોત બનીને ઉભાં છે. વીજ કરંટથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં નગરપાલિકા તાબડતોબ સમારકામ કરાવે તે જરૂરી બન્યુ છે.

બાલાસિનોરમાં બજારમાં વિકાસપથ પર નાખવામાં આવેલા સ્ટ્રી લાઈટના થાંભલાનાં વાયર ગમે ત્યારે જીવલેણ બની શકે છે. કારણે કે વીજ થાંભલાનાં વાયર ખુલ્લા જોવા મળી રહ્યા છે. ચોમાસાના સમયગાળામાં વીજ કરંટ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવા સમયે ખુલ્લા વાયર કોઈકનો જીવ લેશે તો જવાબદાર કોણ ? બાલાસિનોરના રાજપુરી દરવાજાથી બસ સ્ટેશન સુધી આ જ રીતે થાંભલા પર જોખમી વાયર લટકી રહ્યાં છે. પશુઓ પણ ચોમાસામાં ચોંટી જાય તો મુશ્કેલી ઉભી થાય તેમ છે. થાંભલાઓ ઉપર લટકતાં જોખમી વીજ વાયર કોઈકનો ભોગ લે તે પહેલાં ઝડપથી સમારકામ કરી દેવામાં આવે તેવી લોક માંગ થઈ રહી છે.