અમેરિકાના વર્જીનિયામાં ખૂની ખેલ રમાયો,

  • અમેરિકાના વર્જીનિયામાં વૉલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ફાયરિંગથી ૧૦થી વધારે લોકોના મોત

વર્જીનિયા,

અમેરિકાના વર્જીનિયાના ચેસાપીકમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં ૧૦ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ચેસાપીક પોલીસે બેટલફીલ્ડ બ્લાવ્ડની સામે આવેલા વોલમાર્ટમાં કથિત રીતે એક્ટિવ શૂટરને પકડવાનો પ્રયાસ કર્યો અને તેના પર ફાયરિંગ પણ કર્યું હતું. ચેસાપીક પોલીસ વિભાગનું કહેવુ છે કે, લગભગ ૧૦ લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. પોલીસ ઈમારતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસનું માનવું છે કે, શૂટર ઠાર થયો છે. પણ લોકોને હાલમાં પણ આ સ્ટોરથી દૂર રહેવા કહેવાયુ છે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગની સૂચનાનો કોલ મંગળવારે રાતે ૧૦.૧૨ કલાકે આવ્યો હતો. મીડિયા આઉટલેટ ઉછફરૂ ના મિશેલ વુલ્ફના રિપોર્ટ અનુસાર, વોલમાર્ટ સ્ટોર બહાર હાલમાં પણ ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. તેની સાથે જ ૪૦થી વધારે ઈમરજન્સી વાહનો પણ ઈમારત બહાર તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટે સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા માટે કહ્યું છે. ડેલીમેલ. કોમ પર છપાયેલા એક રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળ પર રહેલા લોકોએ કહ્યું કે, ફાયરિંગ કરનારો શખ્સ આ સ્ટોરનો મેનેજર જ હતો. મેનેજર બ્રેક રુમમા ઘુસ્યો અને તેણે સ્ટોરના અન્ય કર્મચારીઓ પર ગોળીઓ ચલાવી દીધી, જેમાં ૧૦ લોકોના મોત થઈ ગયા છે.