મંજૂરી વગર માટી કાઢતા ખાણખનીજ વિભાગનો સન પેટ્રોકેમિકલ્સને છ કરોડનો દંડ

ગુજરાતના ખાણખનીજ વિભાગે આણંદની સન પેટ્રોકેમિકલ્સને છ કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની છેલ્લા દસ મહિનાથી મંજૂરી વગર વડગામના દરિયાઈ અખાતમાંથી માટી કાઢતી હતી. આના લીધે તે સવાલ ઉદભવે છે કે કંપની દસ મહિના સુધી આ રીતે માટી કાઢતી રહી તો ખાણ અને ખનીજ વિભાગ શું કરતો હતો. આટલા સમય પછી કેમ કાર્યવાહી કરવામાં આવી. આટલા સમય સુધી કેમ કોઈ પગલાં ન લેવાયા તેવા અનેક સવાલ ઉદભવે છે.

દિલીપ સંઘવીની કંપનીને દંડ કરવામાં આવ્યો તેની સાથે તે સવાલ પણ ઉદભવ્યો છે કે જિલ્લા વહીવટીતંત્રએ દસ મહિના સુધી કેમ આ બાબતની કોઈ સુધ લીધી નહીં. રાજ્યના પર્યાવરણ વિભાગ અને ખાણખનીજ વિભાગની મંજૂરી વગર કોઈપણ કંપની ગમે ત્યારે તેની મરજી મુજબ આ રીતે માટી કેવી રીતે કાઢી શકે તે સવાલ પણ ઊભો થાય છે. તંત્રમાં આટલી હદ સુધીની બેદરકારી કેવી રીતે પ્રવર્તે છે.

આ તો ફક્ત આણંદની જ એક કંપનીની વાત છે આ સિવાય રાજ્યના કેટલાય સ્થળોએ ખાણખનીજ વિભાગની મંજૂરી વગર નદીના પટોમાંથી રેતી કાઢવામાં આવે છે તેને લઈને ખાણખનીજ વિભાગ ક્યારે પગલા લેશે તેવો સવાલ ઉદભવે છે. પોરબંદર અને સૌરાષ્ટ્રના તથા ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ખાણખનીજ વિભાગની મંજૂરી વગર નદીના પટમાંથી માટી ઉસેટી જવાય છે તેનો જવાબ કોણ માંગશે.