ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરની ટી ૨૦ રેન્કિંગ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ઝિમ્બાબ્વેને ૫ મેચની ટી ૨૦ શ્રેણીમાં ૪-૧થી હરાવ્યું હતું. આ રેન્કિંગમાં આ શાનદાર પ્રદર્શનનો ફાયદો ખેલાડીઓને મળ્યો છે. આ સિરીઝમાં શુભમન ગીલે ટીમની કમાન સંભાળી હતી, તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો, જેના કારણે તેણે બેટ્સમેનોની રેક્ધિંગમાં મોટો છલાંગ લગાવ્યો છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલ ટોપ-૫ની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
શુભમન ગિલ ટી ૨૦ બેટિંગ રેન્કિંગમાં ૩૬ સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે અને હવે તે ૩૭માં નંબર પર છે. તેણે ઝિમ્બાબ્વે સામે ૫ મેચમાં ૪૨.૫૦ની એવરેજ અને ૧૨૫.૯૨ની સ્ટ્રાઈક રેટથી ૧૭૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન ગિલના બેટમાંથી બે અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. તે આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. તેને આઇસીસી ટી ૨૦ રેક્ધિંગમાં આ શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર મળ્યો છે.
યશસ્વી જયસ્વાલે તાજેતરના ભૂતકાળમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલે ઝિમ્બાબ્વે સામે રમાયેલી શ્રેણીમાં માત્ર ૩ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ૭૦.૫૦ની એવરેજથી ૧૪૧ રન બનાવ્યા. શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા સ્થાને હતો. આવી સ્થિતિમાં જયસ્વાલને હવે આઇસીસી રેન્કિંગમા ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ ૠતુરાજ ગાયકવાડે એક સ્થાન ગુમાવ્યું છે અને તે ૮મા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હજુ પણ નંબર વન પર અને સૂર્યકુમાર યાદવ બીજા નંબર પર યથાવત છે.
બોલરોની ટી ૨૦ રેક્ધિંગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલને ભારે નુક્સાન થયું છે. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ ન હતા. અક્ષર ચાર સ્થાન સરકીને ૧૩માં અને કુલદીપ યાદવ પણ ચાર સ્થાન સરકીને ૧૬માં સ્થાને આવી ગયો છે. તે જ સમયે, શ્રેણીનો ભાગ રહેલા રવિ બિશ્ર્નોઈને પણ ચાર સ્થાનનું નુક્સાન થયું છે. તે હવે ૧૯માં નંબરે પહોંચી ગયો છે.