દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વ એશિયાનો પ્રવાસ ખેડવા માંગતા ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અમદાવાદથી થાઈલેન્ડ અને સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઈટ શરૂ થશે. જેમાં ૨૦ જુલાઈથી અકાસા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જેદ્દાહ કનેક્ટિવિટી શરૂ કરાશે. સપ્તાહમાં બે વખત બુધવારે અને શનિવારે અકાસા એરલાઇન્સની ફ્લાઈટ ઉડાન ભરશે. જ્યારે ૧૫ ઓગસ્ટથી સપ્તાહમાં ચાર વખત થાઈ લાયન એરલાઇન્સ દ્વારા પ્રથમ વખત ગુજરાતના અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. મંગળ, ગુરુ, શનિ અને રવિવારે રાત્રે ૧૧:૪૦ કલાકે અમદાવાદથી ઉડાન ભરીને ચાર કલાક વીસ મિનિટ બાદ બેંગકોક પહોંચાડશે.
ગુજરાતીઓ માટે ઇન્ટરનેશનલ ટ્રિપ માટે થાઈલેન્ડ, મલેશિયા જેવાં સ્થળ ખૂબ જ પ્રચલિત બન્યાં છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ માં દુબઈ, શારજાહ, અબુધાબી, લંડન, થાઈલેન્ડનાં વિવિધ શહેર, મલેશિયા વગેરે દેશમાં અમદાવાદ એરપોર્ટથી સીધી કનેક્ટિવિટી છે. ત્યારે તેમાં ઉમેરો કરવા માટે થાઈ લાયન એરલાઇન્સ દ્વારા પ્રથમ વખત ગુજરાતના અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે.
આગામી ૧૫ ઓગસ્ટના દિવસથી સપ્તાહમાં ચાર વખત આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક અને બેંગકોકથી અમદાવાદ માટે ઉડાન ભરશે. આ ફ્લાઈટ મંગળ, ગુરુ, શનિ અને રવિવારે રાત્રે ૧૧:૪૦ કલાકે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરીને ચાર કલાક વીસ મિનિટ બાદ બેંગકોક પહોંચાડશે જેનું વન ટાઈમ ફેર લગભગ ૧૧થી ૧૫ હજારની આસપાસ રહેશે.
અમદાવાદથી જેદ્દાહ જવા માટે ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ઉડાન ભરે છે, પરંતુ હવે સપ્તાહમાં બે વખત બુધવારે અને શનિવારે અકાસા એરલાઇન્સની ફ્લાઈટ અમદાવાદથી જેદ્દાહ અને જેદ્દાહથી અમદાવાદ ઉડાન ભરશે. ૨૦ જુલાઈથી અકાસા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જેદ્દાહ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. ફ્લાઈટ દર બુધવાર અને શનિવારે સાંજે ૫:૪૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને સાંજે ૮:૩૦ કલાકે જેદ્દાહ પહોંચશે.