વલસાડ લોક્સભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલને હરાવી સંસદમાં પહોંચેલા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનો આજે તેમના હોમ ટાઉન વાંસદામાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદે ધારાસભ્ય નથી પણ હું તમારો જ દીકરો છું, કોઈપણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરો, કહી વાંસદાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
વલસાડ લોક્સભા બેઠક ઉપર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઈટમાં બિનઅનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માં આદિવાસી નેતા અનંત પટેલને ૨.૧૦ લાખ મતોની લીડથી પછડાટ આપી હતી.
મૂળ વાંસદાના ઝરી ગામના વતની ધવલ પટેલ સાંસદ બનતા વાંસદાના લોકોમાં હરખ જોવા મળ્યો છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં સાંસદ તરીકે પહોંચ્યો તેની ખુશીમાં આજે વાંસદા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોક્સભામાં સારી કામગીરી કરતા ભાજપી કાર્યર્ક્તાઓનો આભાર દર્શન સમારોહ યોજ્યો હતો. જેમાં સાંસદ ધવલ પટેલે લોક્સભા અંતર્ગત ૬ વિધાનસભામાં ભાજપી ધારાસભ્ય છે જ્યારે વાંસદામાં કોંગ્રેસી ધારાસભ્ય છે.
પરંતુ વાંસદાના દીકરાને જ્યારે સંસદમાં મોકલ્યો હોય, ત્યારે મારૂ ઉત્તરદાયિત્વ વધી જાય છે કહીને, વાંસદાના લોક પ્રશ્ર્નો સાથે મુખ્ય સમસ્યાઓનું સમાધાન લાવવા સાથે મળી પ્રયાસ કરવાની આશ્વાસન પણ આપ્યું હતુ. જ્યારે વાંસદામાં ઉત્તમ આરોગ્ય સુવિધા, રોજગારીની નવી તકો ઉભી કરવા સાથે જ આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી બાદ વાંસદામાં ભાજપી ધારાસભ્ય હશેની ખાતરી પણ તેમણે આપી હતી.
આ સાથે જ દાદરા નગર હવેલીના નરોલીમાં ધોડિયા પટેલ યુવાનની હત્યા મુદ્દે તેમણે દુ:ખ વ્યક્ત કરી, સ્થાનિક સાંસદ અને પોલીસ અધિક્ષક સાથે સતત સંપર્કમાં છે અને આદિવાસી યુવાનને ન્યાય મળે એ માટે વહેલામાં વહેલા આરોપીઓ પકડાય અને તેમને કડકમાં કડક સજા થાય એ માટેના પ્રયાસો હોવાની વાત કરી હતી. સાથે જ મૃતક યુવાનના પરિવાર સાથે એક દીકરાની જેમ ઊભા છે અને તેમને રક્ષણ સહિત તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી.
સાંસદ ધવલ પટેલના અભિવાદન સમારોહમાં હાજર જિલ્લાના બે મોટા નેતાઓ ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે વાંસદા સાથે ભાજપ એ ક્યારેય અન્યાય કર્યો નથી, પરંતુ ચૂંટણીમાં કાર્યર્ક્તાઓની મહેનત કેમ ઓછી પડે છે એનો રંજ રાખી મીઠો ઠપકો પણ આપ્યો હતો. સાથે જ હવે સાંસદ ધવલ પટેલને પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદામાં ભગવો લહેરાવવા મંડી પડવાની ટકોર કરી હતી.