રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક સાથે ત્રણ સિસ્ટમ સર્જાતા આગામી પાંચ દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. યાજ્ઞિક રોડ, હેમુગઢવી હોલ પાસે દોઢથી બે ફૂટના પાણી ભરાયા છે. આ સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. શહેરના વિવિધ માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
રાજકોટમાં ભારે વરસાદના કારણે યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન ચોક પાસે પામી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું ગરનાળું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. ભારે વરસાદના કારણે વિઝિબિલીટી ઘટી જતા વાહનચાલકોએ વાહનોની લાઈટ ચાલુ કરવી પડી હતી. શહેરમાં એક ઈંચ વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા મનપાની પ્રિમોન્સુન કામગીરીની વધુ એકવાર પોલ ખુલ્લી પડી હતી.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.