સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં ૪ ઈંચ વરસાદ વરસ્યો

સાબરકાંઠામાં ગત મોડીરાત્રી દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન મેઘમહેર થતા સ્થાનિકોમાં ખુશહાલી પ્રશરી હતી. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જ્યાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા. ખેડબ્રહ્મામાં સૌથી વધારે ચાર ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

ખેડબ્રહ્માના સુરતી કંપા, સિંગલ કંપા, ગોટા,વાસણા, શ્યામનગર , ગાડું સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના નવી મેત્રાલ થી મેત્રાલ કમ્પા વચ્ચેના ગરનાળાની પ્રોટેક્શન વોલ ધરાશાયી વરસાદ દરમિયાન થઈ ગઈ હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને પ્રોટેક્શન વોલ ધરાશાયી હતી. ખેડબ્રહ્માના સિંગલ કંપા પાસે રાત્રી દરમિયાન ધોધમાર વરસતા વરસાદને લઈને ચેકડેમ છલકાઈ જવા પામ્યો હતો.

રાત્રી દરમિયાન વરસેલ વરસાદ દરમિયાન જિલ્લાના પોશીના અને વડાલી તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસતા વરસાદને લઈને પણ ખેડૂતોને મોટી રાહત થઈ હતી. પોશીના વિસ્તારમાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા. આ વિસ્તારમાં વરસાદ અન્ય તાલુકાના પ્રમાણમાં ઓછો વરસવાને લઈ ચિંતા છવાયેલી હતી.

પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ અને પ્રાંતિજમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં સતત વરસાદને પગલે ખેડૂતોનો વાવણી માટેનો ઉત્સાહ જબરદસ્ત થયો છે. આ સિઝનમાં વાવણી માટે જરુરી વરસાદી માહોલ સર્જાતા રાહત સર્જાઈ છે. હિંમતનગર વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

અંતિમ ચોવીસ કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવા વરસાદના ઝાપટા વરસ્યા હતા. ભિલોડામાં સૌથી વધારે પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં વિસ્તારમાં પણ સતત વરસાદ બીજા દિવસે નોંધાયો હતો. આ ઉપરાંત માલપુર, મોડાસા, મેઘરજ, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલ વરસાદ જોઇએ તો ખેડબ્રહ્મા ૧૦૪ મીમી,તલોદ ૪૬ મીમી,પોશીના ૪૬ મીમી,વડાલી ૪૦ મીમી,પ્રાંતિજ ૩૭ મીમી,હિંમતનગર ૦૩ મીમી છે.