લુણાવાડાના જુના રાબડીયા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ રોગના લક્ષણો ધરાવતી બાળકીનુ સારવાર દરમિયાન મોત

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો જણાતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન બાળકીનુ મોત નીપજયું હતુ.

જુના રાબડીયા ગામમાં રહેતા પરિવારની 5 વર્ષિય બાળકીની તબિયત લથડતા તેને તરત સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાંથી તેને લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તબીબોને બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો જણાતા તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. અને આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ હતુ. તેમજ આરોગ્ય વિભાગે સર્વેલન્સ ટીમ દ્વારા જુના રાબડીયા ગામની મુલાકાત લઈ ગામના તમામ ધરોનો સર્વે કરાયો હતો. જયારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનુ મોત નીપજયું હતુ. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગામમાં તમામ ધરોનુ સ્ક્રિનિંગ કરી ધરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી હતી.