ખાનપુરના નરોડા ગામમાં રોગચાળાથી બચવા આરોગ્ય ટીમ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ

ચોમાસાની ઋતુ દરમિયાન બિમારીઓનુ પ્રમાણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે મહિસાગર જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા નાગરિકોને રોગચાળાથી બચાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાનપુર તાલુકાના નરોડા ગામમાં વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત મેડિકલ ઓફિસર ડો.દિપક પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધરે ધરે જઈ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોથી બચવા દવાનો છંટકાવ કરાયો હતો. વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડો.દિપક પટેલે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે,પ્રાથમિક આરોગ્યની ટીમ દ્વારા આજુબાજુના 19 ગામોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સમયાંતરે દરેક નાગરિકોના ધરે જઈને જયાં પાણી ભરાયેલ હોય અથવા ધરે પાણીની ટાંકીમાં દવાનો છંટકાવ તથા જે લોકો દવા નાંખવાની ના પાડે ત્યાં ગપ્પી ફીશ નાંખવામાં આવે છે. આ ફીશ થકી મચ્છરોનો ઉપદ્રવ થતો નથી. વધુમાં આરોગ્યની ટીમ દ્વારા સમયાંતરે ફીવર સર્વેલન્સ કરવામાં આવે છે. જો કોઈને તાવ આવતો હોય તો તપાસ કરી પોઝીટીવ આવે તો તેમણે સારવાર આપવામાં આવે છે. નરોડા ગામના સ્થાનિક ભારતીબેન પટેલ જણાવે છે કે,દર અઠવાડિયે આશાવર્કર બહેનો ગામની મુલાકાતે આવે છે. જો આજુબાજુ પાણી ભરાયેલ હોય તો દવાનો છંટકાવ પણ કરે છે. આ ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રોગચાળો ના ફાટે તે માટે પુરતી તકેદારી લેવાય છે.